Get The App

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો

ભાડે ખાતું આપી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરતો આરોપી જેલભેગો

આરોપી વિરુદ્ધ પાટણ, હિમાચલ અને તેલંગાણામાં પણ ગુના

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો 1 - image

ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા 'ઓપરેશન મ્યુલ હન્ટ' શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શાહીબાગ પોલીસે કમિશનની લાલચે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર માફિયાઓ નિર્દોષ નાગરિકોને 'ડિજિટલ એરેસ્ટ' ના નામે ડરાવી-ધમકાવીને જે ઠગાઈ કરતા હતા, તે નાણાં આ આરોપીના મ્યુલ (ભાડે રાખેલા) બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

ફ્રોડના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરતો હતો

સ્ટેટ સાયબર સેલ દ્વારા મળેલી ચોક્કસ વિગતોના આધારે પોલીસે શાહીબાગમાં રહેતા આ યુવકના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી, જેમાં વારંવાર મોટી રકમો જમા થતી હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે કમિશનના બદલામાં ખાતું ભાડે આપતો હતો. તેના ખાતામાં ફ્રોડના કુલ ₹2.35 લાખ ઓનલાઈન જમા થયા હતા, જેને તે નેટ બેંકિંગ દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને રોકડમાં અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતો હતો.

અન્ય 3 રાજ્યોમાં પણ ગુના નોંધાયા

પકડાયેલા આરોપીનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ એકાઉન્ટ હોલ્ડર સામે ગુજરાતના પાટણ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને તેલંગાણા સહિત અલગ-અલગ રાજ્યોમાં પણ સાયબર ઠગાઈના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. શાહીબાગ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આ આખી ટોળકીના મુખ્ય સાયબર માફિયાઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.