જ્વેલર્સ સહિતની દુકાનના તાળા તોડી રૃા. ૧૬.૪૦ લાખની મત્તાની ચોરી

અમદાવાદ,સોમવાર
પ્લેન ક્રેશની ઘટનાના કારણે શાહીબાગ સહિતની પોલીસ સિવિલ અને મેઘાણીનગરમાં બંદોબસ્તમાં વ્યસ્ત હતી જેના લાભ ઉઠાવીને અજાણી વ્યક્તિએ શાહીબાગમાં સોની સહિતની આઠથી વધુ દુકાનોના તાળાં તોડીને રોકડ રૃા. ૬૮ હજાર અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૧૬.૪૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચોરીનો ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બિમાર હોવાથી છ દિવસથી સોનીની દુકાન બંધ હતી ઃ રોકડ રૃા. ૬૮ હજાર સોના-ચાંદીના દાગીના સહિત લાખોનો મુદ્દાલ ચોરાયો
સુભાષબ્રિજ કેશનવગર પાસે રહેતા શાહીબાગમાં જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની તબિયત સારી ન હોવાથી તા. ૯ જૂન સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન ગઇકાલે સવારે તેમના કોમ્પ્લેક્ષમાં હેર સલુન ધરાવતા અશોકભાઈ નાઈએ ફોન કરીને કહ્યું હતું કે આપણા કોમ્પ્લેક્ષની દુકાનોના તાળા તૂટેલા છે. તમારી દુકાનનું શટર પણ અડધુ ખુલ્લું છે. જેથી ફરિયાદી દુકાને આવ્યા હતા અને જોયું તો દુકાનના ડ્રોવરમાંથી રૃા.૧૫.૪૯ લાખની કિંમતના સોના - ચાંદીના દાગીના અને રોકડા રૃા.૬૫ હજાર મળીને કુલ રૃા.૧૬.૧૪ લાખની મત્તાની ચોરી થઈ હતી.
ઉપરાંત અન્ય દુકાનોના તાળા તૂટયાં તેંમની દુકાનોમાંથી ચોરી થઈ હતી તો કેટલીક દુકાનોમાંથી કશું ગયુ ન હતુ. જ્યારે રૃા. ૧૬.૪૦ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે ચોરીનો ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.








