Gujarat

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી

By GS TEAM
5 Feb 20262 mins read
અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી

ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી

પરિવાર મકાન બંધ કરીને નાના ભાઈની અંતિમ વિધિમાં ગયો હતો તે દરમિયાન ચોરીની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરના અડાલજમાં આવેલી સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. પરિવાર નાના ભાઈના અવસાન બાદ સામાજિક વિધિ માટે બહાર ગયો હતો, તે દરમિયાન બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧૨,૨૨ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ફરીથી દેખા દીધી હોવાનું લાગી રહ્યું છે. અડાલજમાં આવેલી લક્ષ્મી બાલાજી સ્ટેટસ વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો લાખો રૃપિયાની મત્તા ચોરી ગયા હતા. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરાખંડના અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ કોટડા હાલ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૯ જાન્યુઆરીના રોજ તેમના ચાંદખેડા ખાતે રહેતા નાના ભાઈનું અવસાન થતા અંતિમવિધિ અને સામાજિક વિધિ પૂરી કરવા માટે પરિવાર મકાન બંધ કરીને ચાંદખેડા ગયો હતો. આ દરમિયાન ગઈકાલે સવારે જ્યારે નરેન્દ્રસિંહ પોતાનું આર્મી કેન્ટીન કાર્ડ લેવા ઘરે આવ્યા, ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું કપાયેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરની અંદર તપાસ કરતા રૃમમાં રહેલી લોખંડની તિજોરીના લોકર તોડીને તેમાંથી કિંમતી દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી તેમના પત્નીને તુરંત જ ઘરે બોલાવ્યા હતા અને તપાસ કરતા ઘરમાંથી રોકડ અને દાગીના મળીને કુલ ૧૨.૨૨ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી.