Gujarat

માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી

By GS TEAM
12 Sep 20251 min read
માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી

 વડોદરા,માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી દોઢ લાખની મતા ચોરી ગઇ હતી. જ્યારે આજવા રોડની હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડરની ચોરી થઇ છે.

તરસાલી દત્ત મંદિર પાસે વિશાલ નગરમાં રહેતા જયકુમાર રમેશચંદ્ર મેંગર લક્ષ્મીપુરા કુણાલ ચાર રસ્તા પાસે ઓર્બિટ ટેકનોલોજી પ્રા.લિ. કંપનીમાં નોકરી કરે છે. ગત ૩ જી તારીખે તેઓ પત્ની તથા દીકરા સાથે માતાના ૧૨ મા ની વિધિ માટે આણંદના ઉમરેઠ ગામે ગયા હતા. બે દિવસ પછી તેઓ ઘરે પરત આવ્યા ત્યારે મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. ચોર ટોળકી ઘરમાંથી  સોનાના ૪ તોલા ઉપરાંતના વજનના દાગીના, ચાંદીના દાગીના તેમજ રોકડા ૨૦ હજાર મળીને કુલ ૧.૫૩ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે મકરપુરા  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઇ છે.

જ્યારે અન્ય એક બનાવમાં આજવા રોડ પર આવેલી માં હોસ્પિટલમાંથી ચોર ટોળકી ઓક્સિજન સિલિન્ડર, પ્રેશર મીટર મળી કુલ ૧૬ હજારની મતા ચોરી ગઇ હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.