Gujarat

સિકલીગર ગેંગના ૧૭ આરોપીઓ પાસેથી દોઢ કરોડની મતા કબજે

By GS TEAM
10 Jul 20252 mins read
સિકલીગર ગેંગના ૧૭ આરોપીઓ પાસેથી દોઢ કરોડની મતા કબજે

વડોદરા,ઘરફોડ ચોરી,  ચેઇન સ્નેચિંગ, લૂંટ, ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ જેવા ૨૬૩  ગુનાઓમાં સંડોવાયેલા ૧૭ આરોપીઓની ટોળકી (સિકલીગર ગેંગ)  સામે પોલીસે કોર્ટમાં ૧,૧૨૦ પેજની ચાર્જશીટ રજૂ કરી છે.

શહેરમાં જુદા - જુદા પ્રકારની ગુનાઇત પ્રવૃત્તિઓ આચરતી ટોળકી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આજવા રોડ એકતા નગરમાં રહેતો મુખ્ય આરોપી જોગીંદરસીંગ સંતોકસીંગ સિક્લીગરે અન્ય આરોપીઓ સાથે મળીને સિક્લીગર ગેંગ બનાવી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં આ ટોળકીના સાગરિતોએ એકલા અથવા તો સંગઠિત થઇને  ગંભીર ગુનાઓ કર્યા હતા. આ ટોળકી દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં આ પ્રકારના ૧૯૮ ગુનાઓ કરવામાં આવ્યા છે.આરોપીઓ સામે  પાસા, તડિપાર જેવા  પગલા લેવામાં આવ્યા હોવાછતાંય તેઓએ ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.  ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ  એ.સી.પી. એમ.પી.ભોજાણી દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ગુજસીટોકના ગુનાની ૧૨૦ દિવસની તપાસ દરમિયાન ૨૧૧ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા.  આ ગુનામાં પકડાયેલા ૧૭ આરોપીઓને રાજ્યની અલગ - અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહીથી આરોપીઓની ગુનો કરવાની ચેન તૂટતા ચોરી, લૂંટ અને ધાડ જેવા ગુનામાં ૭૦ ટકાના ઘટાડો થયો છે. પોલીસે આજે ૧,૧૨૦ પેજની વિશાળ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.તપાસ દરમિયાન  પોલીસે દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં સોનાના દાગીના, ૮૩૪ ગ્રામ સોનુ, ૫.૭૮૬ કિલો ચાંદી, રોકડા ૧૦.૮૩ લાખ, ઘડિયાળ, સ્પીકર, મોબાઇલ ફોન, ૧૩ ટુ વ્હીલર અને ૧૩ ફોર વ્હીલર વાહનો કબજે કરવામાં આવ્યા છે.


ગુનો કરવા માટે ચોરીના વાહનોનો ઉપયોગ કરતા હતા

વડોદરા,


આરોપીઓ કપુરાઇ બ્રિજ તથા રણોલી બ્રિજની આસપાસ ભેગા થતા હતા.જે સ્થળોએ પોલીસનું પેટ્રોલિંગ નહિવત્ હોય અથવા ન હોય તેવા વિસ્તારોની પસંદગી કરી રાતે બે થી  પાંચ વાગ્યાના ગાળામાં ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ લૂંટ અને ચોરીના ગુના માટે ચોરીના વાહનોનો ઉપયોગ કરતા હતા.તેમજ ફાયર આર્મ્સનો પણ ઉપયોગ કરતા હતા.