કાલુપુર રેલવે સ્ટેશન પર આરપીએફના સ્ટાફે રીક્ષાને ચેઇનથી બાંધી જપ્ત કરી
સત્તામાં ન આવતુ હોવા છતાંય, દરમિયાન કરતા રોષ
આરપીએફના અધિકારીઓની વધી રહેલી દાદાગીરીને પગલે વાહનચાલકોમાં રોષની લાગણીઃ રેલવે પોલીસની કામગીરીમાં દખલગીરી કરવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ
અમદાવાદ,ગુરૂવાર
કાલુપુર રેલવે સ્ટેશનની બહાર વાહન વ્યવહાર યોગ્ય રીતે થાય તે માટેની જવાબદારી ગુજરાતની રેલવે પોલીસ અને અમદાવાદ પોલીસની છે. પરંતુ, છેલ્લાં ઘણા સમયથી કાલુપુર રેલવે સ્ટેશન પર કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરતી રેલવે પોલીસ ફોર્સના સ્ટાફની વધતી દાદાગીરીને કારણે રીક્ષાચાલકો અને અન્ય વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી છે.
જેમાં હદ તો ત્યાં થઇ કે આરપીએફના કાર્યક્ષેત્રમાં ન આવતું હોવા છતાંય, એક રીક્ષાને સાંકળથી બાંધીને રીક્ષાચાલક સાથે દાદાગીરી કરી હતી. બે દિવસ પહેલા રેલવે પોલીસ ફોર્સના એક અધિકારીએ રીક્ષાચાલક વિરૂદ્ધ પોલીસની કામગીરી અડચણ ઉભી કરીને રીક્ષાને ગેરકાયદે પાર્ક કરવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ સાથે મારામારી કરી હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે આ મામલે નવો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે કાલુપુર રેલવે સ્ટેશનની મુખ્ય બિલ્ડીંગ સુધીની જ જવાબદારી આરપીએફના અધિકારીઓની હોય છે. પરંતુ, આરપીએફના પ્રહલાદકુમાર મીણાએ તેમના સ્ટાફ સાથે આવીને પોતાની સત્તા બહાર જઇને રીક્ષાને સાકંળ મારી દીધી હતી.
જ્યારે રીક્ષાચાલક મોહમંદ ઘાંચીએ આ બાબતે ખુલાસો પુછ્યો તો તે જવાબ આપી શક્યા નહોતા અને દાદાગીરી કરી હતી. એટલું જ નહી અન્ય વાહનોને ટારગેટ કર્યા નહોતા અને માત્ર રીક્ષા જ લોક કરી હતી. આ બાબતને લઇને રીક્ષાચાલકોમાં રોષની લાગણી જોવા મળી છે. ેતેમણે ફરિયાદ કરી છે કે આરપીએફના અધિકારીઓની દાદાગીરીને કારણે ધંધો કરવો મુશ્કેલ છે.
એટલું જ આરપીએફના માથાભારે અધિકારીઓ રેલવે પોલીસ અને અમદાવાદ પોલીસ સાથે ગેરવર્તન કરી તેમના પર યોગ્ય કામગીરી ન કરવાના આરોપ મુકે છે. આમ, આરપીએફના અધિકારીનો વિડીયો વાયરલ થવાની સાથે તેમની દાદાગીરી ખુલી પડી છે.