Ahmedabad News: અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આજે એક મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ છે. 'દેવદૂત' બનેલા એક RPF જવાને પોતાના જીવના જોખમે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલી મહિલાને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સોશિયલ મીડિયા પર આ બહાદુરીનો વીડિયો વાયરલ થયા બાદ લોકો RPF જવાનની કામગીરીના વખાણ કરી રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી એક ટ્રેન રવાના થઈ રહી હતી. ટ્રેન ગતિ પકડી રહી હતી તે જ સમયે એક મહિલા મુસાફરે ચાલુ ટ્રેનમાં ચઢવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. દોડીને ટ્રેન પકડવા જતી વખતે અચાનક મહિલાનો પગ લપસ્યો હતો અને તે સીધી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં સરકવા લાગી હતી.
RPF જવાનની બહાદુરી
ઘટના સ્થળે ફરજ પર હાજર RPF જવાનની નજર પડતા જ તેઓ પળનો પણ વિલંબ કર્યા વગર ચિત્તાની ઝડપે દોડ્યા હતા. મહિલા ટ્રેનની અંદર ખેંચાય તે પહેલા જ જવાને તેને મજબૂતીથી પકડીને બહાર તરફ ખેંચી લીધી હતી. જો જવાનની પ્રતિક્રિયામાં એક સેકન્ડની પણ વાર થઈ હોત, તો જાનહાનિ થઈ શકી હોત.
આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા ફરી એકવાર મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો. સમયસર સ્ટેશને પહોંચવું જેથી ઉતાવળમાં અકસ્માત ન સર્જાય. પોતાના અને પોતાના પરિવારના જીવને જોખમમાં ન મૂકવો.


