વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સુપર બ્રેડ નામની શોપમાંથી સડેલો પફ નીકળ્યો
Vadodara : વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહક દ્વારા લગાડવામાં આવ્યો છે. ગ્રાહકનું મીડિયાને કહેવું છે કે, આ પફ સુંઘતા જ તેમને ઉબકા આવી ગયા હતા. જો આ પફ તેમના પેટમાં ગયો હોત તો શું હાલત થાત ? આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતા તેણે ગ્રાહક જોડે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કર્યું હતું. જેથી ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને લોકોને આ ઘટનાથી અવગત કરાવ્યા હતા.
વડોદરામાં પૈસા ખર્ચ્યા બાદ પણ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ગ્રાહકને વળગાડવામાં આવતા હોવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ક્યારેક ભોજનમાંથી જીવાત નીકળે, તો ક્યારેક મૃત અવશેષો, આ કિસ્સાઓ સામે આવ્યા બાદ પાલિકાની ખોરાક શાખાની ટીમો કાર્યવાહી તો કરે છે. પરંતુ કાર્યવાહી એટલી અસરકારક નથી હોતી કે તે બાદ આવા કિસ્સાઓ પર લગામ કસી શકાય. તાજેતરમાં વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ગ્રાહકે પફ ખરીદ્યો હતો. પફ ખાવા જતા તેમાં વિચીત્ર પ્રકારની વાસ આવતી હોવાથી તેમણે પફ ખોલ્યો હતો. પફ ખોલતા તેમાં કાળા કલરનો સડેલો માવો દેખાયો હોવાનો દાવો ગ્રાહક દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ગ્રાહકે મીડિયાને જણાવ્યું કે, હું વારસિયામાં બન અને પફ લેવા માટે આવ્યો હતો. મેં પફ લીધો અને જેવો તેને ખાવા ગયો ત્યાં એકદમ ગંદી વાસ આવી હતી. તે બાદ મને ઉબકા આવવાના શરૂ થઇ ગયા હતા. જેથી મેં પફ ખોલીને જોતા તે અંદરથી સડેલો હોવાનું જણાયું હતું. મેં દુકાનદારને કહ્યું તો, તેણે કરણભૈયા નામના શખ્સને ફોન કર્યો હતો. તેને કહેવા જતા તેણે મને કહ્યું કે, શાંતિથી વાત કર, જે થાય તે કરી લે. જેથી હું મીડિયા સમક્ષ મારી વ્યથા જણાવી રહ્યો છું. આટલી મોટી દુકાનમાં લોકોની સેહત જોડે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે. આ ભાઇએ બદતમીજી કરી એટલે મારે આ સ્ટેપ લેવું પડ્યું છે, બાકી મારો બીજો કોઇ ઇરાદો ન હતો.