વડોદરાઃ ૩૧ ડિસેમ્બર પહેલા એમ.એસ.યુનિવર્સિટીમાં ખાલી પડેલી અધ્યાપકોની ૮૦૦ કરતા વધારે જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવાની સત્તાધીશોની ઈચ્છા પૂરી થઈ નથી.હવે નવા વર્ષમાં ૩૧ જાન્યુઆરી પહેલા ભરતી પ્રક્રિયા શરુ થાય તેવી મથામણ સત્તાધીશો કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની બીજી પાંચ યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની ભરતી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે પણ એમ.એસ.યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યાઓનું રોસ્ટર મંજૂર થઈ રહ્યું નથી અને તેના કારણે સત્તાધીશો નોટિફિકેશન બહાર પાડી શકતા નથી.
યુનિવર્સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે, અન્ય પાંચ યુનિવર્સિટીઓની કુલ ખાલી જગ્યાઓ કરતા પણ એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓ વધારે હોવાથી રોસ્ટર મંજૂર થવામાં સમય લાગી રહ્યો છે.જોકે ૨૬ જાન્યુઆરી પહેલા રોસ્ટર મંજૂર થઈ જાય તેવી જાણકારી છે.આ સંજોગોમાં ૩૧ જાન્યુઆરી પહેલા ભરતી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે.
સીએએસ હેઠળ બઢતી આપવા અરજીઓ મંગાવાઈ
સત્તાધીશોએ કેરિયર એડવાન્સમેન્ટ સ્કિમ હેઠળ અધ્યાપકોને પ્રમોશન આપવા માટે પણ અરજીઓ મંગાવી છે.અગાઉના કાર્યકારી વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે ૨૦૦ જેટલા અધ્યાપકોને આ સ્કિમ હેઠળ બઢતી આપી હતી.હવે જે ૩૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે તેના માટે પણ ૩૧ જાન્યુઆરી સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.


