Get The App

કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાન મંદિરે મહંતને માર મારી રૂા.3.91 લાખની લૂંટ

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાન મંદિરે મહંતને માર મારી રૂા.3.91 લાખની લૂંટ 1 - image


મધરાત્રે ત્રાટકેલા ત્રણ લૂંટારૂ શખ્સોનું કારસ્તાન

છરી બતાવીને મહંતના હાથ-પગ બાંધી બેફામ માર માર્યો, સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ ફોન લૂંટી ગયા, સીસીટીવી કેમેરા તોડી નાખ્યા 

કોટડાસાંગાણી: કોટડાસાંગાણીના સોળીયા રોડ પર આવેલા શ્રી રોકડીયા હનુમાન મંદિરે ગત શુક્રવારે રાત્રે ત્રણ વાગ્યા આસપાસના સમયમાં કોઈ અજાણ્યા ત્રણ ઈસમોએ આવીને મહંત ટનાટનદાસ બાપુને છરી બતાવી માર મારીને હાથ-પગ બાંધી કાનમાંથી સોનાના કુંડલ, હાથમાં પહેરેલી સોનાની  વિંટી, કબાટ ખોલીને રોકડ રૂપિયા અને અને ૨૫૦ ગ્રામ ચાંદી, બે મોબાઈલ ફોન સહિત રૂા.૩.૯૧ લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા અને ૭ સીસીટીવી કેમેરા પણ તોડી નાખીને ડીવીઆર ઉઠાવી જતાં ઉહાપોહ મચી ગયો છે. 

રોકડીયા હનુમાન મંદિરના મહંત ટનાટનદાસજી બાપુએ લૂંટની ઘટના અંગે કહ્યું કે, ગત શુક્રવારે લૂંટ ચલાવનાર ઈસમો અચાનક ધસી આવ્યા હતા અને બેફામ માર મારીને છરી બતાવી કબાટમાંથી રોકડા રૂપિયા દોઢ લાખ કાઢી લીધા હતા. આ સાથે ૨૦ ગ્રામ જેવા સોનાના કુંડળ-વિંટી સહિત કુલ રૂા.૩,૯૧,૮૫૦ની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. બાદમાં મહંતે માંડ-માંડ હાથ-પગમાંથી દોરી છોડીને બાજુના સોળીયા ગામમાં રહેતા લોકોને જાણ કરી હતી. જેથી ગામના લોકોએ આવીને મહંતને કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડયા હતા અને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

જો કે, લૂંટારૂંઓ ફરાર થતાં પહેલા રોકડીયા હનુમાન મંદિરના તમામ સીસીટીવી કેમેરા તોડતા ગયા હતા અને તેનું રેકોર્ડિંગ જેમાં થાય એ ડીવીઆર પણ ઉઠાવી ગયા  હતા. પરિણામે લૂંટની ઘટનામાં પોલીસને મહત્વની કડી મળવી મુશ્કેલ બની છે. જો કે, પોલીસે અન્ય જગ્યાના સીસીટીવી કેમેરા ચકાસવા સહિતની ગતિવિધિ તેજ કરીને લૂંટારૂઓનું પગુરૂં શોધવાની કવાયત હાથ ધરી છે. આ સાથે રાજકોટ રૂરલ એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ છે. 

- કોઈ જાણભેદુ શાતીર દિમાગ શખ્સોની સંડોવણીની આશંકા

કોટડાસાંગાણીના રોકડીયા હનુમાન મંદિરે લૂંટ ચલાવનાર શખ્સો જાણભેદું શાતીર દિમાગના હોવાનું લાગે છે. કારણ કે, તેઓની કોઈ કડી ન મળે એટલે સીસીટીવી કેમેરા તોડવા સાથે ડીવીઆર પણ ઉઠાવતા ગયા હતા. આ ઉપરાંત મહંત ટનાટન બાપુએ થોડા સમય પહેલા જ પોતાની ગાયો વેંચી હતી, જેના રૂપિયા આવ્યા હતા એ કબાટમાં રાખ્યા હતા. એ રૂપિયા પણ લૂંટારૂંઓએ કોઈ વધારાની મશક્કત વગર શોધીને લૂંટી ગયા હતા.


Tags :