ત્રણ લૂંટારૂઓએ સિનિયર સિટીઝન દંપતિને છરી બતાવી લૂંટ ચલાવી
થલતેજમાં આવેલા નિરાંત પાર્ક સોસાયટીની ઘટના
અગાશીના દરવાજાનું તાળુ તોડીને ત્રણ યુવકો ઘરમાં પ્રવેશ્યા હતા ઃ પોલીસ કેસ કર્યો તો ફરીથી આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી
અમદાવાદ,ગુરૂવાર
શહેરના થલતેજમાં આવેેલી નિરાંત પાર્ક સોસાયટીમાં આવેલા એક બંગલાની અગાશીનો દરવાજો તોડીને આવેલા ત્રણ લૂંટારૂઓએ સિનિયર સિટીઝન દંપતિને છરીથી મારી નાખવાની ધમકી આપીને રોકડ અને સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ જતા જતા દંપતિને ધમકી આપતા ગયા હતા કે જો પોલીસ કેસ કર્યો તો ફરીથી ઘરમાં આવીને મારી નાખીશું. આ અંગે વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
થલતેજ સન એન્ડ સ્ટેપ ક્લબ પાસે આવેલી નિરાંત સોસાયટીમાં ૭૫ વર્ષીય ડૉ. મધુસુદન પટેલ તેમના પત્ની વીણાબેન સાથે રહે છે. બુધવારે રાતના ત્રણ વાગ્યાના સુમારે વીણાબેન પાઠ કરી રહ્યા હતા ત્યારે બંગલાની અગાશીનો દરવાજો તોડીને ત્રણ યુવકો છરી સાથે આવ્યા હતા. જેથી વીણાબેન ગભરાઇ ગયા હતા. તેમણે બુમાબુમ કરતા મધુસુદનભાઇ જાગી ગયા હતા. આ દરમિયાન લૂંટારૂઓએ ધમકી આપી હતી કે જો અવાજ કરશો તો બંને મારી નાખશે. બાદમાં તેમણે તિજોરીની ચાવી લઇને ૪૦ હજારની રોકડ અને સોના દાગીનાની લૂંટ કરી હતી.
જતા જતા ત્રણેય યુવકો ધમકી આપતા ગયા હતા કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જશો તો ઘરે આવીને મારી નાખીશું. બાદમાં આ અંગે મધુસુદનભાઇએ સોલામાં રહેતી તેમની દીકરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એસીપી જે ડી બ્રહ્યભટ્ટે જણાવ્યું કે પોલીસે સોસાયટીના સીસીટીવી ફુટેજના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીઓને ટ્રેક કરવા માટે અલગ અલગ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં આ વિસ્તારથી જાણીતી વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.