સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી
ગામની સીમમાં રહેતા વૃદ્ધ દંપતિ પર હુમલો
ત્રણ બુકાનીધારી વ્યક્તિઓએ વૃદ્ધાના કાનમાં ગંભીર ઇજા પહોંચાડીને બુટ્ટીની લૂંટ કરી ઃ આસપાસમાં ભયનો માહોલ
અમદાવાદ,રવિવાર
અમદાવાદ જિલ્લાના સાણંદના શીયાવાડા ગામની સીમમાં રાતના સમયે ત્રાટકેલા ત્રણ લૂંટારૂઓએ એક વૃદ્ધ દંપતિને કુહાડીથી માર મારીને વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી લૂંટીને કાનમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાણંદ તાલુકાના શીયાવાડા ગામમા ંરહેતા કનુભાઇના પિતા ૭૨ વર્ષીય ધરમશીભાઇ અને તેમના પત્ની મનસીબેન શીયાવાડા ગામની સીમ આવેલા તેમના ખેતરમાં રહે છે. ગત શુક્રવારે રાતના બે વાગ્યાના સુમારે તેમના ખેતરમાં ત્રણ બુકાનીધારી આવ્યા હતા. જેમના હાથમાં કુહાડી, છરી અને પાવડો હતા. તેમણે ધરમશીભાઇને પીઠ પર કુહાડીનો હાથો મારીને ઇજા પહોંચાડયા બાદ મનસીબેનના કાનમાંથી સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી અને ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. જેમાં મનસીબેનને ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા સાણંદ જીઆઇડીસી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.બીજી તરફ લૂંંટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.