૨૮ વર્ષ જૂની લૂંટના ગુનાનો આરોપી એમપીથી ઝડપાયો
અલીરાજપુરનો લૂંટારૃ ડભોઇની બે લૂંટમાં સંડોવાયો હતો
વડોદરા, તા.29 વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકામાં ૨૮ વર્ષ પહેલાં લૂંટના બે ગુનામાં સંડોવાયેલા એમપીના રીઢા લૂંટારૃને જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૧૯૯૭માં ડભોઇ તાલુકાના વડજ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં લૂંટારૃ ટોળકી ત્રાટકી હતી. આ ટોળકી ખેતરમાં મૂકેલા તુવેરના પોટલા લૂંટીને ભાગતી હતી ત્યારે ત્યાં હાજર માલિકે તેનો વિરોધ કરતાં લૂંટારૃઓ તેને માર મારીને ભાગી ગયા હતાં. આ બનાવ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેની તપાસ દરમિયાન ઇડીયા ભલીયા ભીલ (રહે.ભયદીયાચોકી, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) લાંબા સમયથી ફરાર હતો.
દરમિયાન ૨૮ વર્ષ જૂના ગુનાનો આરોપી તેના ઘેર અવારનવાર આવતો હોય છે તેવી માહિતીના આધારે ડભોઇ પોલીસે સ્થાનિક પોલીસના સંપર્કમાં રહીને ઇડીયાને ઝડપી પાડયો હતો. તેની સામે લૂંટના બે ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.