કારેલીબાગમાં મહિલા પર હુમલો કરનાર ત્રણ શખ્સોએ પરિવારજનોને રૃમાલ સૂંઘાડી બેભાન કર્યા
વડોદરાઃ કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ગઇકાલે બપોરે મકાનમાં ઘૂસી આવેલા ત્રણ લૂંટારાએ પરિવારજનોને બેભાન બનાવવા માટે ઘેનયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.
ઘરઘાટી તરીકે કામ કરતા વિમલભાઇએ પોલીસને કહ્યું છે કે,શાંતિભાઇ જીવાવતના ૭૬વર્ષીય પત્ની કમલાબેને મને લોટનો ડબ્બો ઘંટીએ મુકવા કહેતાં હું ત્યાં ગયો હતો.સાડા ત્રણેક વાગે પરત ફર્યો ત્યારે આગળનો દરવાજો બંધ હતો.જેથી હું પાછળથી અંદર પ્રવેશ્યો ત્યારે કમલાબેને જમીન પર,તેમની પૌત્રી અને પુત્ર સોફા પર સૂતેલા હતા.તેમને બૂમો પાડવા છતાં ઉઠતા નહતા.
મને કાંઇક અજુગતું લાગતાં રસોડામાં ગયો ત્યારે એક અજાણ્યા શખ્સે રૃમાલ સૂંઘાડવાનો પ્રયાસ કરતાં ઝપાઝપી થઇ હતી અને રૃમાલ નીચે પડી ગયો હતો.ત્યારબાદ બીજા બે જણા આવ્યા હતા અને મારા માથા પર ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા.
થોડીવાર બાદ ત્રણેય પરિવારજનોને ઉઠાડતાં તેમણે કોઇ શખ્સે રૃમાલ સૂંઘાડયા બાદ શું થયું તેની જાણ નથી તેમ કહ્યું હતું.જેથી કારેલીબાગના પીઆઇ એનએમ ચૌહાણે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.પરંતુ હજી સુધી લૂંટારાના કોઇ સગડ મળ્યા નથી.પોલીસે લૂંટારાઓનો રૃમાલ પણ કબજે કર્યો છે.