Gujarat

રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા

By GS TEAM
25 Jul 20252 mins read
રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા

ગાંધીનગરમાં લુંટારૃઓનો વધતો જતો આતંક

કુડાસણની મહિલાને ઈન્દ્રોડા સર્કલ પાસે નિશાન બનાવી દાગીના રોકડ અને મોબાઈલ લૂંટી લેવાયા ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરમાં લૂંટારાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે કુડાસણની મહિલાને રીક્ષામાં બેસાડીને ઇન્દ્રોડા સર્કલ પાસે છરીની અણીએ રોકડ,દાગીના અને મોબાઇલ મળીને ૧.૪૭ લાખ રૃપિયાની મત્તા લૂંટી લઈ ધક્કો મારીને ફેંકી દેવામાં આવી હતી. ઘાયલ મહિલાને સારવાર માટે ખસેડાયા બાદ આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી લૂંટના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે આ વખતે કુડાસણમાં આવેલી સ્વાગત રેઇન ફોરેસ્ટ વસાહતમાં રહેતા હર્ષાબેન આનંદભાઈ ભટ્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગત બુધવારના રોજ રાત્રિના સમયે તેઓ ભાવનગરથી અમદાવાદ આવ્યા હતા અને આ દરમિયાન કુડાસણ જવા માટે રીક્ષાની રાહ જોઈને ઉભા હતા તે વખતે તેમને એક રિક્ષા મળી હતી. જેમાં ડ્રાઈવરની બાજુમાં એક ઈસમ અને પાછળની સીટમાં તેમની બાજુમાં બે ઈસમો બેઠા હતા.રિક્ષા ડ્રાઈવરે રિક્ષા ગાંધીનગર જતા રોડ પર લીધી અને તારાપુરથી આગળ સવસ રોડ પર એક ઈસમે વોશરૃમ જવાનું કહેતા રિક્ષા રોડની સાઈડમાં ઉભી રહી હતી. હર્ષાબેનને શંકા ગઈ હતી કે રિક્ષામાં બેઠેલા બધા એકબીજાને ઓળખે છે, કારણ કે તેઓ અંદરોઅંદર વાતો કરતા હતા. એક ઈસમે રિક્ષા ડ્રાઈવરને મોહિત શર્મા કહીને બોલાવ્યો અને હિન્દીમાં વાતચીત કરી હતી.ઘ-૦ બ્રિજ નીચેથી ઈન્દ્રોડા સર્કલ ચ-૦ તરફ જતા રોડ પર હર્ષાબેનની બાજુમાં બેઠેલા બે ઈસમોમાંથી એકે તેમને ગાલ પર લાફો મારીને રિક્ષાની પાછળની સીટમાં નીચે પાડી દીધા હતા અને બીજા ઈસમે તેમનું મોઢું દબાવી ગળા પર છરો મૂકી દીધો હતો. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ઈસમે હિન્દીમાં ધજાન સે માર દેંગેધ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેમના ગળામાં પહેરેલો સોનાનો દોરો અને મોબાઈલ તેમજ પર્સ લૂંટી લીધું હતું. જેમાં રોકડ હતી ત્યારબાદ તેમને સેક્ટર ૧ પાસે ધક્કો મારીને ફેંકી દીધા હતા. તેમણે રાહદારીઓની મદદ લીધા બાદ સિવિલમાં સારવાર કરવા પહોંચ્યા હતા અને આ અંગે હાલ સેક્ટર-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ૧.૪૭ લાખ રૃપિયાની લૂંટનો ગુનો દાખલ કરીને લૂંટારાઓની શોધખોળ શરૃ કરી છે.