ચારેય તરફ ખાડાઓને લઈને વાહન ચાલકો ત્રાહીમામ : માર્ગ બિસ્માર હોવાના કારણે પરેશાની
ભુજ: એશિયાના સૌથી ધનિક ગણાતા માધાપર ગામમાં રસ્તાઓની હાલત તો પૂછવી જ શું ? વિકાસની વાતો માત્ર કાગળ ઉપર હોય તેમ અહીં રસ્તાઓની હાલત ખખડધજ જોવા મળે છે. છેલ્લા લાંબા સમયથી માધાપરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પરિણામે વાહન ચાલકો ત્રસ્ત બની રહ્યા છે. અવાર-નવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ધ્યાન દોરવામાં આવતું નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. માધાપરના મઢુલીથી ગાંધી સર્કલ તેમજ પોલીસ સ્ટેશન માર્ગ, ગાયત્રી મંદિર રોડ, યક્ષ મંદિર રોડની હાલત અત્યંત દયનીય જોવા મળે છે. ચારેય તરફ ખાડા પડી ગયા છે. ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો પરેશાન બન્યા છે. અહીંથી પસાર થતા અને જાણે ઊંટગાડીમાં બેઠા હોય તેવો અનુભવ થતો હોય છે. રીક્ષા ચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તાજેતરમાં તંત્ર દ્વારા કાંકરી નાખીને ખાડાઓ પુરીને સંતોષ માનવામાં આવ્યો હતો. હજુ થોડો સમય થયો છે ત્યાં ફરી માર્ગ પર ખાડાઓ થઈ ગયા છે. વિકાસની વાતો માત્ર કાગળ ઉપર થતી હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. કોઈ પણ નેતાને કે અધિકારીને પડી ન હોય તેમ આ માર્ગ રીપેરીગ કરવામાં રસ દાખવવામાં આવતો નથી. હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર રહે છે. વરસાદના સમયે તો પાણી ભરાતા ખાડામાંથી પસાર થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. લોકોની રજૂઆતો જાણે બહેરાકાને અથડાતી હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. અહીંનો માર્ગ મજબુત બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હાલમાં ખખડધજ માર્ગના કારણે કમરના દુખાવાના દર્દીઓ પણ વધી રહ્યા છે. લોકો અહીંના માર્ગે જવાનું પણ ટાળી રહ્યા છે.


