Vadodara : વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તાર સહિત અનેક આંતરિક અને જાહેર રોડ રસ્તાનો ખુરદો બોલાવ્યા બાદ પાલિકા તંત્રએ જાણે કે પ્રણ લીધું હોય કે શહેરમાં એકેય રોડ રસ્તો વ્યવસ્થિત અને વાહન ચલાવવા યોગ્ય રહેવો જોઈએ નહીં એવી રીતે હવે વડોદરાના પશ્ચિમ વિસ્તાર વાસણા સિંધી માર્કેટથી સ્વામિનારાયણ મંદિર સુધી અને ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તા કોઈપણ કારણસર ખોદી નાખવા આયોજન કર્યું છે, ત્યારે વાસણા સિંધી માર્કેટ થી સ્વામિનારાયણ મંદિર સુધી નવી ડ્રેનેજ નેટવર્કની કામગીરી માટે કોન્ટ્રાક્ટરને વાપરવામાં આવતી મશીનરીઝ મજૂરો-કારીગરોની હેરફેર અને મટીરીયલ્સ રાખવાની જગ્યાના કારણે રોડ રસ્તાનો ડાયવર્ઝન કરાયું હતું. પરિણામે તબક્કાવારની કામગીરી અંગે આ રોડ રસ્તા વાહન વ્યવહાર માટે આજથી, તા.28, જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી 20 દિવસ સુધી બંધ રાખવામાં આવતા વૈકલ્પિક રોડ રસ્તાઓનો ઉપયોગ કરવા જણાવાયું છે.
એવી જ રીતે ગોરવા પાણીની ટાંકીથી પ્રિયા સિનેમાના રસ્તે નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી અંગે આ રોડ રસ્તાની ડાબી બાજુનો ભાગ અને ગોકુળ નગરથી જનકપુરી સોસાયટી થઈને ગાયત્રીનગર એપીએમસી સુધી કામગીરી વાળો ભાગ કામગીરી ન થાય ત્યાં સુધી બંધ રહેશે. જેના વિકલ્પે અન્ય રસ્તાઓનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવા પાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા જણાવાયું છે.


