Gujarat

સેક્ટર-૨૫માં નવી પાણીની લાઈનના લીકેજથી રોડ તૂટયા, નાગરિકોમાં રોષ

By GS TEAM
26 Jun 20252 mins read
સેક્ટર-૨૫માં નવી પાણીની લાઈનના લીકેજથી રોડ તૂટયા, નાગરિકોમાં રોષ

લાઈન નાખવામાં ઘોર બેદરકારીને કારણે

એજન્સીની લાલિયાવાડીને કારણે સમગ્ર શહેર મુશ્કેલીમાં મુકાયું છે પરંતુ કોઈ પગલા ભરાતા નથી

ગાંધીનગર :  સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરમાં ૨૪ કલાક પાણીનો પુરવઠો આપવા માટે નવી પાણીની લાઈન નાખવાની કામગીરીએ શહેરને 'ખાડા નગરી' બનાવી દીધું છે. શહેરના અનેક સેક્ટરોમાં નવી લાઈન નાખ્યા બાદ રોડ બનાવી દેવાયા પરંતુ હવે લીકેજની સમસ્યાને કારણે રોડમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે જેના કારણે નવા બનેલા રોડ ફરી તૂટી રહ્યા છે.

ખાસ કરીને, સેક્ટર ૨૫ની સૂર્યનારાયણ સોસાયટી ખાતે પ્લોટ નંબર ૨૯૦/૧ની બહાર રોડમાંથી પાણી નીકળવાની ફરિયાદ સ્થાનિકોએ ઉઠાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નવી પાણીની લાઈનમાં લીકેજ છે. હાલ ખોદકામ શરૃ કરીને સમસ્યાને ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ આ પ્રક્રિયામાં નવો રોડ તૂટી ગયો છે. સ્થાનિકો હવે ચિંતિત છે કે આ રોડનું સમારકામ ક્યારે થશે.

આ સમસ્યા માત્ર સેક્ટર ૨૫ સુધી મર્યાદિત નથી. શહેરના જુના સેક્ટરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. નવી પાઈપલાઈન નાખ્યા બાદ રોડ બનાવી દેવાયા, પરંતુ લીકેજના કારણે રોડ ફરી ખોદવા પડી રહ્યા છે. આ બેદરકારી અને નબળી કામગીરીએ ગાંધીનગરના નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે, સ્માર્ટ સિટીના નામે શહેરને ખાડાઓનું નગર બનાવી દેવાયું છે. નવી પાઈપલાઈનનું કામ યોગ્ય રીતે નથી થયું અને હવે રોડ તૂટવાથી અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. આ મામલે જવાબદાર એજન્સી પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. નાગરિકોનો આરોપ છે કે ખોદકામ અને પાઈપલાઈન નાખવાનું કામ ઉતાવળમાં અને બેદરકારીથી કરવામાં આવ્યું છે જેના કારણે લીકેજની સમસ્યા ઉભી થઈ છે સાથે જ રોડનું નવીનીકરણ ક્યારે થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી મળી રહ્યો.આ ઘટનાએ ગાંધીનગરની સ્માર્ટ સિટીની છબી પર સવાલો ઉભા કર્યા છે. નાગરિકોની માંગ છે કે જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શહેરની મૂળભૂત સુવિધાઓને ઝડપથી સુધારવામાં આવે. જો આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ નહીં આવે, તો નાગરિકોનો રોષ વધુ વકરી શકે છે.