Vadodara : વડોદરા પાલિકાના પદાધિકારીઓ સત્તા મેળવ્યાના પાંચેક વર્ષ સુધી શહેરના વિકાસની માત્ર વાતો જ કરતા રહ્યા. પરંતુ હવે નવી ચૂંટણીઓ આવવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વિકાસના કામોને કારણે ચારે બાજુએ રોડ રસ્તા ખોદીને જાણે કે શહેરનો રાતોરાત વિકાસ કરી નાખવો હોય એવી રીતે જાહેર અને આંતરિક રસ્તાઓ ખોદવા માંડ્યા છે. ત્યારે કારેલીબાગ એલ એન્ડ ટી મુક્તાનંદ સર્કલ સુધી નવી ડ્રેનેજ લાઈનની કામગીરી તથા વોર્ડ નં. 7માં આનંદ નગર બાપા સીતારામ મંદિરથી ચાર રસ્તા સુધી પૂસિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજર નાખવાની કામગીરી અંગે જુદા જુદા રોડ રસ્તાઓ આજે તા. 21, ગુરૂવારથી કામગીરી પૂરી થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો ની અવરજવર માટે તબક્કાવાર બંધ કરાશે.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ એલ.એન્ડ.ટી સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધી નવી ડ્રેનેજ નાખવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવાની વિવિધ મશીનરી તથા મજૂરો કારીગરોની હેરફેર અંગે કામગીરીની સરળતા અને જરૂર મુજબ એલ.એન્ડ.ટી સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધીના રસ્તા પર જમણી-ડાબી બાજુનો કેરેજ વે આજે તા.21થી કામ પૂરું થતાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે રસ્તો તબક્કાવાર બંધ કરાશે. વિકલ્પ રૂપે કામની સ્થળ સ્થિતિ તથા જરૂર મુજબ ડાબી-જમણી બાજુના કેરેજ-વેનો વાહ અને વ્યવહાર તથા અવરજવર માટે સાવચેતી પૂર્વક ઉપયોગ કરવો.
આ ઉપરાંત વોર્ડ નં. 7માં આનંદ નગર બાપા સીતારામ મંદિરથી આનંદ નગર ચાર રસ્તા સુધી મેન્યુઅલ પૂશિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવાની છે. આજથી તા.21, ગુરૂવારથી શરૂ થતી કામગીરી અંગે આનંદ નગર ચાર રસ્તા પાસે આવેલ સરકારી વસાહત પ્રેસ કોલોનીથી આનંદનગર નાકા થઈ બાપાસીતારામ મંદિર સુધીના રસ્તા પર જમણી-ડાબી બાજુના કેરેજ વે કામગીરી પૂરી થતાં સુધી વિકલ્પ રૂપે કામની સ્થળ સ્થિતિ અને જરૂરિયાત મુજબ વાહન વ્યવહાર તેમજ કે અવર-જવર માટે રોડ રસ્તાનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવા ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવાયું છે.


