અમદાવાદના 10 અંડરપાસમાં વરસાદી પાણી ભરાશે જ, પાણી ઉલેચવાની ચીલાચાલુ પદ્ધતિ
Ahmedabad Underpass: અમદાવાદમાં આ વર્ષે પણ ચોમાસામાં રસ્તા ઉપરાંત અંડરપાસમાં વરસાદી પાણી ભરાશે જ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં શહેરમાં આવેલા રેલવે દ્વારા બનાવાતા નવા અંડરપાસ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટે રૂ. 1.25 કરોડનો કોન્ટ્રાકટ આપ્યો હતો. શહેરમાં આવેલા અખબારનગર સહિતના દસ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણી ઉલેચવા રૂ. 75 લાખના ખર્ચે પમ્પ મુકવા પાણી સમિતિએ મંજુરી આપી છે. અખબારનગર અંડરપાસ પાસે એક વર્ષ અગાઉ વરસાદી પાણી સંગ્રહ કરવા પરકોલેટીંગ વેલ બનાવાયો હતો. અખબારનગર અંડરપાસમાં પરકોલેટીંગ વેલ નિષ્ફળ જતા અન્ય કોઈ અંડરપાસમાં પરકોલેટીંગ વેલ બનાવાયો જ નથી.
ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરવા કેચ ધ રેઈન જેવા સ્લોગન આપવામાં આવે છે. બીજી તરફ શહેરમાં આવેલા અખબારનગર અંડરપાસ સહીત દસ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણી ઉલેચવા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વખત પમ્પ મુકીને ઉલેચશે. આ તમામ અંડરપાસમાં વરસાદના સમયે પાણી ભરાઈ જાય એ સમયે પાણી નિકાલ માટે પમ્પ ઓપરેટ કરવા તેમજ અંડરપાસના બંને સાઈડના ગેટ ખોલવા અને બંધ કરવા બે ગેટ ઓપરેટર ઉપરાંત ફીટર સહીતનો સ્ટાફ તૈનાત કરાશે. રુપિયા 75.16 લાખના ખર્ચથી અંડરપાસમાંથી વરસાદી પાણી ઉલેચવા કોન્ટ્રાકટર આપવા પાણી સમિતિએ મંજુરી આપી છે.
ગત સપ્તાહે વરસાદ પડ્યો ત્યારે પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મીઠાખળી, પરિમલ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ, મકરબા ગામ અને મકરબા તળાવ ખાતેના અન્ડરપાસ પાણી ભરાઈ જવાથી ટ્રાફિક માટે બંધ કરવા ફરજ પડી હતી.
કયા અંડરપાસમાં પાણી ઉલેચવા પમ્પ મુકાશે?
સ્ટેડિયમ,ઉસ્માનપુરા,ઉસ્માનપુરા, અખબારનગર, નિર્ણયનગર, મણિનગર(દક્ષિણી), પરિમલ અંડરપાસ,મહાલક્ષ્મી અને પરિમલ ગાર્ડન તરફ,કુબેરનગર, જી.એસ.ટી., મીઠાખળી અંડરપાસ તેમજ ગાંધીગ્રામ અંડરપાસ
25 પૈકી 19 અંડરપાસના મેઈન્ટેનન્સની કામગીરી માના ટેકનો કોર્પોરેશન પાસે
શહેરના વિવિધ વિસ્તારમાં 25 અંડરપાસ આવેલા છે. આ પૈકી 9 રેલવે અંડરપાસ,નિર્ણયનગર, ઉસ્માનપુરા, સ્ટેડિયમ, અખબારનગર, પરિમલ, દક્ષિણી,કુબેરનગર જી.એસ.ટી તથા મીઠાખળી અંડરપાસના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ માના ટેકનો કોર્પોરેશન પાસે છે.રેલવે અંડરપાસ પૈકી બે અંડરપાસનુ મેઈન્ટેનન્સ સન ટ્રેડીંગ કંપની જયારે એક અંડરપાસનુ મેઈન્ટેનન્સ નીમા એન્ટરપ્રાઈઝ તથા કાળીગામ ગરનાળાનુ મેઈન્ટેનન્સ એ.એ.એન્જિનિયર્સ પાસે છે.
કાળીગામ અંડરપાસમાં ચાર દિવસે પાણી ઉતર્યા હતા
અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં રેલવે અંડરપાસ સહિત કુલ 25 અંડરપાસ આવેલા છે.કાળીગામ અંડરપાસમાં થોડા દિવસ અગાઉ શહેરમાં પડેલા વરસાદના પગલે વરસાદી પાણી ભરાતા ચાર દિવસે મ્યુનિ.તંત્રે પાણી ઉલેચવા પમ્પ મુકયા બાદ પાણી નિકાલ થયો હતો. આ અંડરપાસ ટેક ઓવર કરવા રેલવે ઓથોરીટી દ્વારા અમદાવાદ મ્યુનિ.ને પત્ર લખવામાં આવ્યો છે. પાલડી વિસ્તારમાં આવેલા જલારામ અંડરપાસના ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી ગુજરાત મેટ્રો રેલવે ઓથોરીટી દ્વારા કરવામાં આવે છે.