દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે
કામની ગુણવત્તા જાળવવા ટેમ્પરેચર મશીનનો ઉપયોગ કરવા અને ઈજનેરોને ફિલ્ડમાં રહેવા તાકીદ

શુક્રવાર તા.10 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને રોડ પરના ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
આજ રોજ મ્યુનિ. કમિશનર અરૃણ મહેશ બાબુ એ રોડ વિભાગના અને ઝોનલ એન્જિનિયરોની બેઠક કરી હતી, જેમાં તેમણે આ કામગીરી પાંચ ગણી વધારી દેવા સૂચના આપી હતી.
તેમનું કહેવું હતું કે ડેપ્યુટી અને આસિસ્ટન્ટ ઈજનેરો અમુક સ્થળે ફિલ્ડ પર હોતા નથી એટલે કે રોડની કામગીરી ચાલતી હોય ત્યારે કામની ગુણવત્તા જળવાય તે જરૃરી છે. જો તેઓ ફિલ્ડમાં હોય તો જ ગુણવત્તા જળવાઈ શકે. હોટમિક્સ પ્લાન્ટમાંથી ડામરનું મટિરિયલ આવે તેનું ટેમ્પરેચર ચેક થવું જોઈએ. મટિરિયલ્સની થીકનેસ પણ જળવાઈ રહેવી જોઈએ. ટેમ્પરેચર મશીનનો ઉપયોગ કરીને રોડ રિસર્ફેસ અને પેચવર્કનું કામ દિવાળી પહેલા પૂર્ણ કરી દેવા ઈજનેરોએ તૈયારી બતાવી છે.