વડોદરાઃ સાવલી- જરોદ- સમિયાલા રોડને પહોળો કરવા માટે સ્થાનિક ઉદ્યોગો છેલ્લા સાત વર્ષથી રજૂઆત કરી રહ્યા હતા.એ પછી માંડ માંડ ૬ મહિના પહેલા શરુ થયેલી કામગીરી ફરી અટકી ગઈ છે.
આ રોડ પર ૧૫૦ કરતા વધારે ઉદ્યોગો આવેલા છે.જેના સંગઠન સાવલી ઈસ્ટ વાઘોડિયા વેસ્ટ એસોસિએશન( સેવા)ને સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને આ બાબતે પત્ર લખ્યો છે.સંગઠનના પ્રમુખ ભરત દેસાઈનું કહેવું છે કે, આ રોડનો ઉપયોગ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ અને સ્થાનિકો સહિત ૫૦૦૦૦ જેટલા લોકો કરે છે.કામ શરુ થયા બાદ ફોરેસ્ટ વિભાગની પરવાનગીના અભાવે રોડ પહોળો કરવાની કામગીરી પર બ્રેક વાગી હતી.હવે એ પરવાનગી મળી ત્યારે એવી વાત સામે આવી છે કે, રોડનો ૨૦૦ મીટરનો હિસ્સો રેલવેએ નજીકમાંથી પસાર થતી નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં ફેરવવા માટે સરકાર પાસેથી લઈ લીધો છે.આશ્ચર્યની વાત એ છે કે, સરકારના એક વિભાગે આ હિસ્સો વેચ્યો હતો પણ અત્યાર સુધી બીજા વિભાગને તેની જાણકારી જ નહોતી.
સંગઠનનું કહેવું છે કે, હવે તેના કારણે રોડનું કામ અટકયું છે.રોડ ખોદી નાંખવામાં આવ્યો હોવાથી ઉડતી ધૂળથી લોકો પરેશાન થઈ રહ્યા છે.આ રોડ પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને તેના કારણે ઉદ્યોગોને રો મટિરિયલ મેળવવામાં અને તૈયાર થયેલી પ્રોડકટસ બહાર મોકલવામાં રોજ હેરાન થવાનો વારો આવી રહ્યો છે. તંત્ર વહેલી તકે કોઈ ઉકેલ લાવીને રોડ બનાવવાનું ફરી શરુ કરે તે જરુરી છે.


