સુરત પાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે સુરતીઓના માથે આફત વરસી : ડ્રેનેજનું કામ પુરું થયાં બાદ રોડ નહી બનતા રસ્તાઓ કાદવમાં ગરકાવ
Surat : સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજના કેટલાક કોન્ટ્રાક્ટરોની બેદકારીના કારણે આજે પડેલા કમૌસમી વરસાદથી સુરતીઓ પર આફત વરસી ગઈ છે. અડાજણના રેવા નગરમાં ડ્રેનેજની કામગીરી પુરી કર્યા બાદ રોડ નહી બનાવતા આજના વરસાદના કારણે ઝુંપડપટ્ટાનો રોડ કાદવીયો થઈ ગયો છે. આ નબળી કામગીરી અંગે અગાઉ ફરિયાદ થઈ હતી પરંતુ કોઈ કામગીરી ન થતાં આ વરસાદના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.
સુરતમાં આજે પડેલા વરસાદના કારણે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે તો બીજી તરફ પાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીથી સુરતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરત પાલિકાના રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર પાસે રેવાનગર નામની સેવા બસ્તી આવી છે. આ જગ્યાએ પાલિકાના ડ્રેનેજના કોન્ટ્રાક્ટરે અગાઉ છ મહિના પહેલા કામગીરી કરેલ હતી. કામગીરી પુરી થયા બાદ એમાં જે મેટલ નાખી રોડ બનાવવાનો હતો. તે બનાવવામાં નહીં આવતા સ્થાનિક સેવા બસ્તીમાં રહેતા ગરીબ માણસો અને આંગણવાડીમાં ભણવા આવતા બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
આ અંગે અગાઉ પાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પાલિકાએ કોઈ કામગીરી કરી ન હતી. દરમિયાન આજે પડેલા વરસાદના કારણે આ અધુરી કામગીરીથી રોડ પર પાણીનો ભરાવો થતાં રોડ કાદવીયા બની ગયો હતો. આ ગંદકીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને સ્થિતિના નિવારણ માટે માંગણી કરી રહ્યાં છે.