જાહેરનામુ બહાર પાડયા વગર કલેક્ટર-કોર્ટ તરફનો રસ્તો બંધ
નવી ગટર લાઇન નાખવાની હોવાને કારણે
ઘ-રોડનો કટ પણ બેરીકેટીંગ કરીને બંધ કરી દેતા વાહનચાલકો હેરાનઃમુખ્ય માર્ગ પર આડેધડ પાર્કિંગ
ગાંધીનગર : સેક્ટર-૧૧ અને સે-૧૨ વચ્ચે કલેક્ટર કચેરીના કટ પાસે છેલ્લા દસ દિવસથી નવી ગટર લાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે. આ કામગીરીને કારણે કલેક્ટર કચેરી અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ કોઈ જાહેરનામા વગર બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત, ઘ-રોડના કટ પર પણ બેરિકેડિંગ કરીને માર્ગ બંધ કરાયો છે, જેની કોઈ પૂર્વ સૂચના કે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું નથી.
ગાંધીનગર શહેર માં છેલ્લા ઘણા વખતથી ગટર લાઇનને કારણે આડેધડ
ખોદકામ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા સે-૧૧ કલેક્ટર કચેરી પાસે નવા રોડ
બનાવવામાં આવ્યા હતા ત્યારે નવા રોડ બનાવ્યા બાદ અહીં ગટર લાઇનનું ખોદકામ કરવાનું
તંત્રને યાદ આવ્યું છે.જેના કારણે છેલ્લા દસ દિવસથી અહીં ખોદકામ કરવામાં આવી
રહ્યું છે.એટલુ જ નહીં, કોઇ પણ
જાહેરનામા વગર કલેક્ટર તથા કોર્ટ સંકુલ તરફ જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.
આ સાથે ઘ-રોડનો કટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.જેના કારણે વાહનચાલકોને ભારે
હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘ-૩ તરફથી કલેક્ટર
કચેરી કે કોર્ટ જતા લોકોને સ્વણમ પાર્ક અને ઉદ્યોગ ભવન થઈને લાંબો રસ્તો કાપવો પડે
છે. આ રસ્તા પર આડેધડ પાર્કિંગને કારણે માર્ગ સલામતી જોખમાય છે, અને નાના-મોટા
અકસ્માતોની શક્યતા વધી છે.સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. તેઓએ કામગીરી
ઝડપથી પૂર્ણ કરવા અને પર્યાપ્ત સૂચનાઓ આપવાની માગણી કરી છે. સ્થાનિક વહીવટીતંત્રની
આ બેદરકારી સામે તાત્કાલિક પગલાંની જરૃર છે,
જેથી નાગરિકોની મુશ્કેલી ઘટે.