Get The App

અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર્યો

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર્યો 1 - image


Ahmedabad Crime News: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે રોડ રેજની એક ભયાનક ઘટના સામે આવી છે. વિશ્વકુંજ ચાર રસ્તા પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 15 જેટલા શખ્સોના ટોળાએ એક કોલેજ સ્ટુડન્ટ અને તેના મિત્રો પર હુમલો કરી તેની મહિન્દ્રા થાર ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ખમાસા વિસ્તારમાં રહેતા અને એલ.જે. કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય મોહમ્મદ ઝિયાન વોરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગુરુવારે રાત્રે તે તેના મિત્ર સાદ શેખ સાથે પોતાની મહિન્દ્રા થાર ગાડી લઈને મિત્ર બિલાલ મન્સૂરીના લગ્નમાં જઈ રહ્યો હતો.


રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે તેઓ વિશ્વકુંજ ચાર રસ્તા નજીક બળિયાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જઈ રહેલા એક એક્ટિવા ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે એક્ટિવા પર પાછળ બેઠેલી મહિલા નીચે પડી ગઈ હતી. ઝિયાને માનવતા દાખવી ગાડી ઉભી રાખી અને મહિલાને ઉભી કરવામાં મદદ કરી હતી. જોકે, એક્ટિવા ચાલકે આભાર માનવાને બદલે ઝિયાનને લાફો મારી દીધો હતો.

ટોળાએ ગાડીને ઘેરી લીધી

જોતજોતામાં નજીકમાં ઉભેલા ત્રણ શખ્સો ત્યાં દોડી આવ્યા હતા અને ઝિયાનને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઝિયાનના મિત્રો તેને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસી જ્યારે અન્ય 10 જેટલા લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું. ઈજાગ્રસ્ત મહિલા માટે એમ્બ્યુલન્સ બોલાવી હોવા છતાં ટોળાએ તેમને જવા દીધા ન હતા.

જ્યારે ઝિયાને મદદ માટે તેના પિતાને ફોન કરીને બોલાવ્યા ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પિતા સાથે પણ મારામારી કરી હતી. પોલીસ કંટ્રોલ રૂમ (112) પર ફોન કરતા પહેલા ટોળાએ થાર ગાડીના આગળ અને પાછળના કાચ તોડી નાખી અંદાજે 85,000 રૂપિયાનું નુકસાન થયું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વિદ્યાર્થી તથા તેના મિત્રોને ટોળાથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પાલડી પોલીસે એક્ટિવા ચાલક અને 15 જેટલા અજાણ્યા ઈસમો સામે રાયોટિંગ, મારામારી અને તોડફોડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :