Get The App

નખત્રાણામાં મહેમાનોને મુશ્કેલી ન પડે એટલે રોડ પેચવર્કનું કામ કરાયું

Updated: Jan 26th, 2025

GS TEAM

Google News
Google News
નખત્રાણામાં મહેમાનોને મુશ્કેલી ન પડે એટલે રોડ પેચવર્કનું કામ કરાયું 1 - image

પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

બસ સ્ટેન્ડ પાસે ખાડા પુરવાની લોકોની બે વર્ષ જૂની માંગણી ન સંતોષનાર સરકારી તંત્ર અચાનક જાગ્યું

નખત્રાણા: નખત્રાણાનો બસ સ્ટેશન રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર છે. અનેક વખત રજુઆતો અને આવેદનપત્ર પાઠવવા છતાં નહીં જાગેલા માર્ગ મકાન વિભાગે આખરે પ્રજાસત્તાક પર્વએ રસ્તા ઉપર ડામરના પેચવર્કની કામગીરી કરી છે.

નખત્રાણાના બસ સ્ટેન્ડ પાસે અવારનવાર ટ્રાફિક થવો, વથાણ ચોક પાસે જીવલેણ અકસ્માત થવાની ઘટનાઓ વારંવાર બને છે. આમ છતાં તંત્રએ શીખ લીધી નથી. પરંતુ આવતીકાલે જયારે નખત્રાણા ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી થશે ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત મહેમાનો આવશે અને આ મહેમાનોને તકલીફ ન પડે તેવા આશય સાથે આજરોજ નખત્રાણાના બસ સ્ટેન્ડ પાસેના રોડ પર મરંમતની કામગીરી કરવામાં આવી રહી હતી. 

કચ્છ જિલ્લાના રસ્તાઓની હાલતથી કોઈ અજાણ નથી. શહેરી હોય કે ગ્રામિણ વિસ્તારના માર્ગો, ભાગ્યે કોઈ સારા રસ્તા હોય જો કે, મંત્રીઓ કે પછી વી.આઈ.પી. મહેમાન આવવાના હોય ત્યારે રસ્તાઓની હાલત સુધારવાના નાટક કરવાનું ભુલાતું હોતું નથી ત્યારે, આવો જ તાલ નખત્રાણામાં જોવા મળ્યો છે. નખત્રાણા ખાતે આવતીકાલે પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થનાર છે તે પૂર્વે આજે નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે બિસ્માર રસ્તા ઉપર થાગડથીંગડ કરવામાં આવ્યું હતુ. આ કામગીરી જોઈને લોકો પણ સમજી ગયા હશે કે આ બધુ આમ પબ્લીક માટે નથી પણ માત્ર મહેમાનો અને ઉચ્ચાધિકારીઓને સારૂ લગાડવાની મહેનત કરાય છે.