રાયસણથી ધોળાકુવા મેટ્રો પાસેનો રસ્તો વરસાદમાં ધોવાતા અવરજવરમાં હાલાકી
ગુણવત્તા વગરની કામગીરીથી માર્ગો ઉબડ-ખાબડ બન્યાં
વાહનોની અવરજવર હોવાના કારણે ચાલકોને માર્ગ ઉપર અકસ્માતના ભય હેઠળ પસાર થવાની નોબત આવી
ગાંધીનગરના માર્ગો ઉપરથી વાહનચાલકોને અવરજવર કરવામાં સરળતા
મળી શકે તે માટે તંત્ર દ્વારા માર્ગ બનાવવામાં આવ્યા હતા.જેની પાછળ લાખો રૃપિયાનો
ખર્ચ પણ કરાયો હતો. હવે ચોમાસાની મોસમમાં વરસાદ પડતા જ કામગીરીની પોલ ખુલી ગઈ હોય
તે પ્રકારે કોર્પોરેશન વિસ્તારમાં આવેલા રાયસણ થી ધોળાકુવા મેટ્રો સુધીનો માર્ગ
વરસાદમાં ધોવાઈ રહ્યો છે.તો માર્ગોની આસપાસ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે
એ માટેની સુવિધા ઉભી કરવામાં નહીં આવતા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે. માર્ગ
વરસાદી પાણીમાં ધોવાઈ જતા હાલમાં ઉબડખાબડ બની ગયો છે.
આ માર્ગો પાણી ભરાવાના કારણે બિસ્માર બની રહ્યા છે.તો ઠેકઠેકાણે નબળી કામગીરીના પગલે તૂટી જવાની સાથે સાથે ઉબડખાબડ થઈ જવાના કારણે અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અકસ્માતના ભય હેઠળ પસાર થવાની ફરજ પડી રહી છે. માર્ગ ઉપરથી કપચી ઉખડી જવાના કારણે ચાલવાલાયક પણ રહ્યા નથી.જેથી સ્થાનિકો પણ તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.