Get The App

ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી 1 - image

- રજૂઆત છતાં કાર્યવાહી નહીં : કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગ

- કોન્ટ્રાક્ટરે 5 કિ.મી. લાંબા રોડ પર 8 થી વધુ નાળા નહીં બનાવતા 5 થી વધુ ગામના લોકોને મુશ્કેલી

ચુડા : ચુડા તાલુકાના ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો પાંચ કિલોમીટરનો ડામર રોડ થોડા સમય પહેલાં તંત્ર દ્વારા બનાવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટની નબળી કામગીરીને કારણે માત્ર એક મહિનામાં રોડ પર મસમોટા ખાડા પડી જતાં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. 

રોષે ભરાયેલા કંથારિયા ગામના ગ્રામજનો એ જણાવ્યું હતું કે ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો ડામર રોડ વર્ષ ૨૦૨૨-૨૩માં મંજૂર થયો હતો. આ રોડ તંત્ર દ્વારા એક મહના પહેલાં બનાવામાં આવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે એક મહિનામાં જ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. તેમજ રોડની બંને સાઈડનું કટીંગ, કિલોમીટરના ખુટા, પાણીના નિકાલ સહિતનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી. 

એટલું જ નહીં કંથારિયાથી ખાંડીયા વચ્ચેના પાંચ કિલો મીટરના અંતરમાં આવતાં અંદાજે આઠથી વધુ નાળા પણ બનાવામાં આવ્યા નથી. જેને લઈને ખાંડીયાથી કંથારિયા, છલાળા, બલાળા, સોનઠા સહિતના ગ્રામજનોને તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આ સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા તંત્રના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કે તપાસ હાથ ધરવામાં આવી નથી. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે.