અમદાવાદ: CTM વડોદરા એક્સપ્રેસ હાઈવેના વળાંક પાસે વહેલી સવારે સર્જાયો ગંભીર અકસ્માત
- તે વિસ્તારના માથાભારે શખ્સો ખાનગી વાહનો પાસેથી દરરોજ હપ્તા વસૂલે છે અને ટ્રાફિક જામ સર્જે છે
અમદાવાદ, તા. 04 એપ્રિલ 2022, સોમવાર
અમદાવાદમાં આજે સોમવારે વહેલી સવારે CTM વડોદરા એક્સપ્રેસ હાઈવેના વળાંક પાસે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક્સપ્રેસ હાઈવે શરૂ થાય છે ત્યાં આવેલા ધર્મભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા અનિલભાઈ શાપરિયાની 19 વર્ષીય કોલેજિયન દીકરીનું મોત નિપજ્યું છે.
અકસ્માતની વિગતો પ્રમાણે એસટી બસ વડોદરા જવા માટેના વળાંક પર પહેલેથી જ ઉભેલી ખાનગી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે જ્યારે બંને બસમાં બેસેલા મુસાફરો અને રસ્તા પર પ્રતિક્ષા કરી રહેલા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસ હાઈવેના વળાંક પર ખાનગી લક્ઝરી બસો અને ખાનગી કાર આડેધડ પાર્ક કરવામાં આવતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો બનતા રહે છે. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પ્રમાણે તે વિસ્તારના માથાભારે શખ્સો ખાનગી વાહનો પાસેથી દરરોજ હપ્તા પણ વસૂલે છે અને ટ્રાફિક જામ સર્જે છે.
અકસ્માત અંગે જાણ થયા બાદ 108ની 5થી વધારે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
આ ઘટનાની જાણ થયા બાદ CTM એક્સપ્રેસ હાઈવેની સામે જનસેવકના કાર્યાલય પરથી પૂર્વ નગરસેવક મહેશભાઈ પટેલ અને અન્ય કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે પહોંચાડીને તેમના પરિવારજનોને અને તંત્રને અકસ્માતની જાણ કરી હતી.