ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે અમદાવાદના તમામ બ્રિજની સ્થિતિ તપાસવા મ્યુનિ.કમિશનરનો આદેશ
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના બિલ્ડિંગમાં પણ ચકાસણી કરવા સુચનાઆપવામાં આવી
અમદાવાદ,બુધવાર,9 જુલાઈ,2025
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા મહીસાગર નદી ઉપરનો ૪૫ વર્ષ
જુનો ગંભીરાબ્રિજ બુધવારે સવારે તુટી પડયો હતો. આ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ
કમિશનર બંછાનિધિ પાનીએ અમદાવાદમાં આવેલા નદી ઉપરના બ્રિજ, રેલવે બ્રિજ ઉપરાંત ફલાય ઓવરબ્રિજની સ્થિતિ તપાસવા
બ્રિજ પ્રોજેકટ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના
શહેરમાં આવેલા વિવિધ બિલ્ડિંગોમાં પણ ચકાસણી કરવા સુચના અપાઈ હતી.
અમદાવાદમાં સાબરમતી નદી ઉપર ૧૧ બ્રિજ આવેલા છે. આ ઉપરાંત ૨૫
રેલવે બ્રિજ, ૨૩ રેલવે
અંડરપાસ ઉપરાંત ૨૦ ફલાય ઓવરબ્રિજ,
ત્રણ માઈનોરબ્રિજ તથા સાત કેનાલ બોકસ
કલ્વર્ટ મળી કુલ ૮૯ બ્રિજ આવેલા છે. મ્યુનિસિપલ કમિશનરે બ્રિજ પ્રોજેકટ
વિભાગ અને ઈજનેર વિભાગના અધિકારીઓને આ તમામ બ્રિજની સ્ટ્રકચરલ સ્ટેબીલીટી તપાસવાની
સાથે જે બ્રિજ ઉપર સમારકામ જરુરી હોય ત્યાં ઝડપથી સમારકામ કરાવી બ્રિજના
સ્ટ્રેન્થનિંગમાં વધારો કરવા સુચના આપી હતી.ઉપરાંત એક સપ્તાહમાં બ્રિજ અંગે
રીપોર્ટ આપવા પણ કહયુ હતુ.
અમદાવાદમાં વર્ષો જુના બ્રિજ કયા-કયા?
૧.કાલુપુર રેલવે ઓવરબ્રિજ- ૧૮૭૫
૨.લકકડીયા બ્રિજ-૧૮૯૨
૩.સરદાર બ્રિજ,જુનો-૧૯૪૦
૪.સારંગપુર રેલવે બ્રિજ-૧૯૪૦
૫.અસારવા રેલવે બ્રિજ-૧૯૪૦
૬.ગાંધીબ્રિજ,જુનો-૧૯૪૨
૭.શાહીબાગ રેલવે અંડરબ્રિજ-૧૯૫૦
૮.ખોખરા રેલવે બ્રિજ-૧૯૬૦
૯.નહેરુબ્રિજ-૧૯૬૦
૧૦.પરીક્ષીત મજમુદાર બ્રિજ-૧૯૬૮
૧૧.સુભાષબ્રિજ-૧૯૭૩
૧૨.ગીરધરનગર રેલવે ઓવરબ્રિજ-૧૯૯૦