વડોદરા,કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે વહેલી સવારે રસ્તા વચ્ચે ગાય આવી જતા રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
તુલસીવાડીમાં રહેતા ૪૪ વર્ષના શેખ મહંમદ રફિકમીંયા આજે સવારે સાડા સાત વાગ્યે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રિક્ષા લઇને જતા હતા. તે દરમિયાન ગાય રસ્તા વચ્ચે આવી જતા તેઓને કપાળ અને પગમાં ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે, ન્યુ સમા રોડ મંગલ દર્શન સોસાયટીમાં રહેતો સંદિપ સત્યેન્દ્રસિંહ નેગી ગત ૯મી તારીખે મોડીરાતે નિઝામપુરા મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડની સામેથી બાઇક લઇને ઘરે જતો હતો. તે દરમિયાન રોડ પર બેઠેલી ગાય સાથે ધડાકાભેર અથડાતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. માંજલપુરમાં રહેતો ભાવિન પટેલ નામનો યુવક ગઇકાલે બૂલેટ લઇને સોમા તળાવ ચાર રસ્તા નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા ઇજાગ્રસ્ત થયો હતો.


