પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર
Vadodara Vyajkhor : વડોદરાના માણેજામાં એબીબી કંપનીની બાજુમાં શ્રીજી ટેનામેન્ટમાં રહેતા રિક્ષા ડ્રાઈવર પ્રભાત પઢીયારએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે પુત્રના અભ્યાસ તથા ઘર ખર્ચ માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા ભાવેશ રતિલાલ ઠાકોર (રહે-ગાયત્રી નગર સોસાયટી, જાંબુઆ જકાતનાકા, માણેજા) પાસેથી માસિક 20 ટકા લેખે રૂપિયા લીધા હતા. મેં વ્યાજ સહિતના રૂપિયા તેને ચૂકવી દીધા હતા.
ત્યારબાદ વર્ષ 2024 માં મારા મોટાભાઈની બીમારીની સારવાર માટે 50,000 રૂપિયા લીધા હતા. તેની સામે મેં અત્યાર સુધી 1.36 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં ભાવેશ ઠાકોર વધુ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે છે અને મેં સિક્યુરિટી પેટે આપેલા ચેકમાં 60,000 લખી ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કર્યો છે.