Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી કરૂણ મૃત્યુ

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી કરૂણ મૃત્યુ 1 - image


Jamnagar Accident : જામનગર-રાજકોટ રોડ પર ધ્રોલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જામનગર તરફથી આવતી એક સીએનજી રીક્ષાને એસટી બસના ચાલકે પાછળથી ઠોકર મારી દેતાં રિક્ષાના ચાલક 55 વર્ષના આધેડનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા રામુભાઈ રામજીભાઈ કુશવાહા નામના 55 વર્ષના આધેડ કે જેઓ પોતાની જી.જે 17 વી.વી 1505 નંબરની રીક્ષા લઈને રાજકોટથી ફ્રુટ ભરીને જામનગર પરત ફરી રહ્યા હતા.

 જે દરમિયાન ધ્રોળ નજીક સરમરીયા દાદાના મંદિરની જગ્યા પાસે પાછળથી આવી રહેલી જી.જે.18 ઝેડ 9759 નંબરની એસટી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને તે અકસ્માતમાં રીક્ષા પલટી મારી ગઈ હતી.

 જેથી તેના ચાલક રામુભાઈ કુશવાહાને માથાના ભાગે તેમજ શરીરમાં અન્ય નાની મોટી ઈજાઓ થતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સૌરભ રામુભાઈ કુશવાહાએ એસ.ટી. બસ ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી.વઘોરા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :