સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માત
સુરેન્દ્રનગરના વડનગરમાં રહેતો પરિવાર ધ્રાંગધ્રા પેસેન્જર ઉતારી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત નડયો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બોલેરો પીકઅપ અને સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાચાલક સહિત તેની પત્નીનું મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશભાઈ મારૃણીયા (ઉ.વર્ષ ૩૪) પત્ની સંગીતાબેન મારૃણીયા (ઉ.વર્ષ ૩૨) મોડી સાંજે ધ્રાંગધ્રાથી પરત સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. દરમિયાન કટુડા ગામના પાટિયા પાસે કોઈ કારણોસર રિક્ષા ઉભી રાખી હતી અને બંનેે પતિ-પત્ની રિક્ષા પાસે ઉભા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી બોલેરો પીકઅપના ચાલકે ધડાકાભેર રિક્ષા સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પીકઅપ પત્ની પર પલટી મારિ જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રિતે ઈજાગ્રસ્ત રિક્ષા ચાલક જીગ્નેશભાઈ મારૃણીયાને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું પણ મોત નિપજ્યુ હતું. અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરિ હતી. બીજે દિવસે બંનેેની અંતિમયાત્રામાં પરિવારજનો સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.


