ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાયો
Bharuch Crime : ભરૂચ રેલવે સ્ટેશન પાસેના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે થયેલી માથાકૂટમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકની ફરિયાદના આધારે ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે અન્ય બે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચના કસક મોજમપુર ખાતે રહેતા હારુન સુલેમાન રીક્ષા ચલાવે છે, તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું રિક્ષામાં પાર્સલ લઈને અંકલેશ્વર તરફ જવા નીકળ્યો હતો. તે સમયે ગળખોલ પાટિયા પાસે મોઈન ઉર્ફે મરઘી તેની ઓટોરિક્ષામાં પેસેન્જર ભરી જઈ રહ્યો હોય ઓવરટેક બાબતે મારી સામે આંખો કાઢી જતો રહ્યો હતો. ત્યારબાદ હું શીતલ સર્કલ રેલવે સ્ટેશન પાસે પરત આવતા મોઈન તથા ઇલ્યાસ રિક્ષામાં જમી રહ્યા હતા. જેથી મેં મોઈનને કહ્યું હતું કે, મારી સામે કેમ આંખો કાઢે છે. મોઈનએ આગળ તમે બચી ગયા છો હવે તમને મારી મારીશ તેમ કહી મોઈન અને ઇલિયાસએ પ્લાસ્ટિક અને લાકડાના દંડા વડે મને માર માર્યો હતો. જેથી મને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.