રીબડાના અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવાયો હતો : બે વકીલની સંડોવણી
ગોંડલનાં રાજકારણમાં ગરમાવો લાવનાર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ : ગોંડલ તાલુકા પોલીસે રાજકોટ અને ગોંડલના વકીલ ઉપરાંત દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી અને તેની બહેનપણીની ધરપકડ કરી
રાજકોટ, : ગોંડલના રાજકારણમાં ગરમાવો લાવનાર રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવી તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવાયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. જેમાં રાજકોટના વિવાદાસ્પદ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાલાભાઈ પાતરની સંડોવણી ખુલી છે. જેથી આ બંને ઉપરાંત દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણીની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં રહેતી અને મોડેલીંગ કરતી તરૂણીએ અમિત ખુંટ સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં ગત શનિવારે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અમિત ખુંટની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાક્રમ વચ્ચે અમિત ખુંટે ગઇ તા. ૫ના રોજ રીબડા ગામમાં આવેલી પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ પગલું ભરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદીપસિંહ, દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરે પોતાને ખોટા કેસમાં ફસાવતા બદનામી થવાથી આત્મહત્યા કર્યાનું લખ્યું હતું. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે આ ચારેય આરોપીઓ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર પછી ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બંનેની પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પૂજાનો રાજકોટમાં એક મિત્ર રહે છે, જેણે પૂજા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને સાધી કહ્યું હતુ કે અમિત ખુંટ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પ્રેમ સંબંધ અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધી, તેના વિરૂધ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની છે. બદલામાં તમારી બંનેની લાઇફ સેટ થઇ જશે, બંનેને સારામાં સારી જોબ પણ મળશે, બંનેને મોટી રકમ પણ મળશે, આ પછી તમને કાંઇ ઘટશે નહીં, અમિત ખુંટ વિરૂધ્ધ ફરિયાદ કરતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે. શરૂઆતથી અંત સુધી તમને મદદ કરશે. બંને કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ નોંધાવાની છે. જેથી દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરને પૈસાની જરૂરિયાત હોવાથી આ કામ માટે સહમત થઇ ગઇ હતી. કાવતરા મુજબ અમિત ખુંટ સાથે મિત્રતા કેળવી, આખરે તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. મેડીકલમાં દુષ્કર્મ કર્યાનું સાબિત થાય તે માટે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ ચોંકાવનારા ઘટસ્ફોટના અંતે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી, તેની બહેનપણી પૂજા જેન્તીભાઈ ગોર અને બંને એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતરની વિધિવત ધરપકડ કરી હતી. આ કેસમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહને હજુ સુધી પોલીસ શોધી શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજાને આ કામ સોંપનાર વચેટિયો પકડાયા પછી તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવવાનું કાવતરૂ રચ્યું હતું તે અંગે ખુલાસો થશે. હાલ આ વચેટિયાની શોધખોળ જારી રાખવામાં આવી છે.