દેવાયત ખવડ સહિત સાત આરોપીને જામીન સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન

રિમાન્ડ નામંજૂર કરવાના નીચેની કોર્ટના હુકમને પણ પોલીસે પડકાર્યો
વેરાવળની સેશન્સ કોર્ટમાં બંને અરજી પર કાલે સુનાવણી, તપાસનીશ અધિકારીની ભૂલનો લાભ આરોપીઓને મળ્યાની ચર્ચા
તાલાલા ગીર, વેરાવળ: અમદાવાદના સનાથલમાં ડાયરાના વિવાદને કારણે ધુ્રવરાજસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૪) ઉપર તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામ નજીક ખૂની હુમલો કરી, લૂંટ ચલાવવાના અને હથિયાર બતાવી ધમકી આપવાના કેસમાં પકડાયેલા લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવાના અને જામીન પર છોડી દેવાના વેરાવળની ફોજદારી કોર્ટના હુકમને કારણે તપાસ કરતી તાલાલા ગીર પોલીસને 'આંચકો' લાગ્યો છે. એટલું જ નહીં, તપાસનીશ અધિકારીની ચૂકનો લાભ આરોપીઓને મળી ગયાની ચર્ચા થઇ રહી છે.
હવે તાલાલા ગીર પોલીસે આરોપીઓના જામીન મંજૂર કરવાના હુકમ સામે વેરાવળની સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી છે. જ્યારે નીચેની કોર્ટના રિમાન્ડ નામંજૂર કરવાના હુકમને પણ સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે. આ બંને અરજી પરની સુનાવણી આગામી તા.૨૧ના રોજ મુકરર કરાઇ છે તેમ તપાસનીશ પીઆઇ જે.એન. ગઢવીએ જણાવ્યું હતું.
દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓને ગઇકાલે તાલાલા ગીર પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે વેરાવળના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.એ. જાનીની કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં બંને પક્ષો વચ્ચે કલાકો સુધી દલીલો ચાલી હતી. જેના અંતે અદાલતે પોલીસની રિમાન્ડની અરજી તો નામંજુર કરી હતી. સાથોસાથ આરોપીઓને જામીન ઉપર છોડવાનો પણ હુકમ કર્યો હતો. જેને કારણે તપાસ કરતી પોલીસને આંચકો લાગ્યો હતો. સાથોસાથ આ અંગે કાયદાના જાણકારોમાં પણ ચર્ચાઓ શરૂ થઇ છે.
સાતેય આરોપીઓને જામીન પર છોડવાના હુકમમાં વેરાવળની કોર્ટે નોંધ્યું કે સુપ્રીમ કોર્ટના ચોક્કસ ચુકાદામાં પ્રસ્થાપિત થયેલા સિધ્ધાંતો, આરોપીઓ સામેના ગુનાની ગંભીરતા, આરોપીઓની ટ્રાયલ દરમિયાનની હાજરીની સુનિશ્ચિતતા વગેરે હકીકતો લક્ષમાં લેતા અરજદાર આરોપીઓને આ તબકકે શરતોને આધિન જામીન પર મુક્ત કરવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાઇ રહેશે તેવું અદાલતનું માનવું છે. જેના આધારે અદાલતે આરોપીઓને રૂા.૧૫ હજારના જામીન તથા એટલી જ રકમના જાત મુચરકા રજૂ કરવાનો હુકમ કર્યો હતો.
તમામ આરોપીઓ સામેની તપાસ ચાલુ જ રહેશે
રાજકોટ: દેવાયત ખવડ સહિતના આરોપીઓને ગઇકાલે અદાલતે જામીન પર છોડી દીધા બાદ પોલીસે બીએનએસની કલમ ૧૨૯ મુજબ અટકાયત કરી હતી. આજે આરોપીઓના મામલતદાર પાસે જામીન લેવડાવાયા હતા. ત્યાર પછી આરોપીઓ મુક્ત થયા હતા. રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસની તપાસ અધૂરી રહી ગયાની છાપ વચ્ચે તપાસ કરતી પોલીસે જણાવ્યું કે તપાસ જારી રાખવામાં આવશે. જો રિમાન્ડ મળશે તો તપાસ વેગવાન બનશે. આ કેસમાં હથિયારનો ઉપયોગ થયાનો અને લૂંટ ચલાવાયાનો પણ આક્ષેપ થયો હતો. જે બાબતે હાલ પોલીસે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. એટલું જ નહીં અત્યાર સુધીની તપાસમાં સાત જ આરોપીના નામ ખુલ્યાનું જણાવ્યું છે. જ્યારે ફરિયાદમાં ૧૨ થી ૧૫ આરોપીઓ હોવાનું જણાવાયું હતું.
તપાસમાં સહકાર આપવા અને પાસપોર્ટ જમા કરાવવા આદેશ
રાજકોટ: અદાલતે અરજદાર આરોપીઓને શરતોને આધિન જામીન આપ્યા હતા. અદાલતે તપાસમાં સહકાર આપવા, આવા કોઇ ગુનાનું પુનરાવર્તન નહીં કરવા, ટ્રાયલ દરમિયાન નિયમિત હાજરી આપવા, પાસપોર્ટ હોય તો અદાલતમાં જમા કરાવવા સહિતના હુકમોને આધિન જામીન મંજૂર કર્યા હતા.
- અટકાયત અને ધરપકડના કારણોમાં તફાવત
- જીભનો નિર્દેશ ન પળાય ત્યારે કાયદાકીય બાધ છતાં જામીનનું કારણ બની જાય
- તપાસ કરનાર અધિકારી શા માટે ધરપકડના કારણોની લેખિત જાણ ન કરી શક્યા તેવા કોઇ કારણો નથી જણાવાયાઃ કોર્ટ
તાલાલા ગીર, વેરાવળ: વેરાવળની ફોજદારી કોર્ટે સાતેય આરોપીઓને જામીન પર છોડવાના હુકમમાં નોંધ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લેતા આરોપીની અટકના કારણો અને ધરપકડના કારણોમાં તફાવત રહેલો છે. આરોપીની અટકના કારણો સામાન્ય પ્રકારના છે. જ્યારે ધરપકડના કારણો તે આરોપીનો ગુનો આચરવામાં રોલ દર્શાવે છે. જેથી તે અટક કરવાના કારણોથી સંપૂર્ણ અલગ છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આર્ટીકલ-૨૨નું પાલન કરવા સુચવાયેલું છે અને તેનું પાલન ન કરવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં જામીન આપવા ઉપર જો કાયદાકિય બાધ હોય તેમ છતાં જામીન આપવા માટેનું તે કારણ બની જાય છે. આ કેસની હકીકતો, એફઆઇઆર, પ્રોડ્કશન રિપોર્ટ જોતા તપાસ કરનાર અધિકારી શા માટે ધરપકડના કારણોની લેખીતમાં જાણ કરી શક્યા નથી તેવા કોઇ કારણો જણાવવામાં આવ્યા નથી.
મૌખીક જાણ કરવા અંગેની કોઇ નોંધ કેસ ડાયરી કે પ્રોડ્કશન રિપોર્ટ સાથે રજુ કરેલા દસ્તાવેજો જોતા જણાઇ આવતી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓમાં ઠરાવાયું છે કે જ્યારે પણ આરોપીને ધરપકડના કારણોની જાણ કરવામાં આવી ન હોય તેવા કિસ્સામાં તે આરોપીના મુળભૂત અધિકારોના ભંગ થવા બરાબર થાય છે અને તેવા કિસ્સામાં આરોપીને જામીન ઉપર મુક્ત કરવાના થતાં હોય છે.








