Get The App

1.20 લાખની લાંચ માગનાર આણંદની ગ્રામ્ય મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી ઝડપાયો

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
1.20 લાખની લાંચ માગનાર આણંદની ગ્રામ્ય મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી ઝડપાયો 1 - image

- બાકરોલ ખાતે આવેલી જમીનની વારસાઈ બાબતે નામંજૂર થયેલી નોંધ મામલે

- જિલ્લા સેવા સદન કચેરીની ચાની લારી પાસે તલાટી વતી વચેટિયોને 10 હજારની લાંચ લેતા એલસીબીએ ઝડપ્યો : બંનેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ

આણંદ : આણંદની ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી વતી તેમનો વચેટિયો રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતા આણંદ એસીબીના છટકામાં ઝડપાઈ જતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. આણંદ એસીબી દ્વારા રેવન્યુ તલાટી અને વચેટિયાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આણંદના એક અરજદારના પિતા અને તેમના કૌટુંબિક સભ્યોના નામે આણંદ પાસેના બાકરોલ ખાતે આવેલી વડીલોપાજત સંયુક્ત માલિકીની જમીનમાં વારસાઈની નોંધ નામંજૂર થઈ હતી. આ નામંજૂર થયેલી નોંધની અપીલની કામગીરી માટે અરજદાર આણંદની ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતને મળ્યા હતા. ગૌરવ રાજપૂતે જમીનની વારસાઈ બાબતે નામંજૂર થયેલી નોંધ અંગે પ્રથમ રૂપિયા ૧.૨૦ લાખની લાંચની માગણી કરી હતી અને તે પૈકી ગુગલ પે મારફતે અગાઉ રૂપિયા ૩૦,૦૦૦ લીધા હતા અને અપીલની કામગીરી શરૂ કરવા માટે વધુ રૂપિયા ૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે અરજદાર લાંચની રકમ આપવા માગતા નહીં હોવાથી આણંદ એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીની ટીમે લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડવા શુક્રવારે છટકું ગોઠવ્યું હતું. 

જે મુજબ રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂત સાથે અરજદારે લાંચની રકમ અંગે વાતચીત કરતા તેઓએ બોરીયાવી ગામના વચેટિયા બદરુદ્દીન સરફુભાઈ મલેકને લાંચના નાણાં આપી દેવાનું કહ્યું હતું અને બદરૂદ્દીન મલેક અરજદારને કચેરીની બહાર લઈ આવ્યા હતા. જ્યાં જિલ્લા સેવા સદન કચેરીની બહાર જાહેર રોડ ઉપર આવેલી એક ચાની લારી પાસે જઈ ગૌરવ રાજપૂતના કહ્યાં મુજબ અરજદાર પાસે બદરૂદ્દીને લાંચના નાણાં રૂપિયા ૧૦,૦૦૦ સ્વીકાર્યા હતા. તે જ સમયે આણંદ એસીબી પોલીસની ટીમ ત્રાટકી હતી અને વચેટિયાને અને રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતને ઝડપી પાડી બંને વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.