પડતર માંગણીઓ નહીં સંતોષાતા મહેસુલ કર્મીઓ માસ સીએલ પર ઉતર્યા, વડોદરા કલેક્ટર કચેરીની કામગીરી ઠપ્પ
Vadodara : વડોદરા સહિત ગુજરાતભરના મહેસુલ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ છેલ્લા દસ વર્ષથી નહીં સંતોષાતા આજે માસ સીએલ પર ઉતરતા મહેસુલ ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જો આગામી દિવસોમાં સરકાર આ બાબતે કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલની ચીમકી અગ્રણીઓએ કરી છે.
ઉલ્લેખનીય છે કે મહેસુલ વિભાગના નાયબ મામલતદારોની બઢતી છેલ્લા દસ વર્ષથી કરાવી નથી. આ અંગે સિનિયોરિટી નક્કી કરીને તાત્કાલિક ધોરણે બઢતી આપવામાં આવે. ઉપરાંત ક્લાર્કની બજાવતા કર્મીઓને પણ બઢતી નહીં આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. આ ઉપરાંત એલઆરક્યુ અને એચઆરક્યુની પરીક્ષાઓની માંગણી પણ પૂરી કરાઈ નથી. જોકે મહેસુલી કર્મચારીઓની જિલ્લા ફેર બદલીઓની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય પણ તાત્કાલિક ધોરણે કરવાની માંગ કરાય છે આ અંગે કલેક્ટરનું એનઓસી મેળવવાની પ્રથા બંધ કરીને પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવાની માંગ કરી છે.
રાજ્યના મહેસુલ કર્મચારીઓની મુખ્ય ચાર માંગણીઓ છે જેમાં જિલ્લામાં તાજેતરમાં આડેધડ થયેલી બદલીઓ રદ કરીને કુલ જગ્યાએ પરત નિમણૂક આપવાની પણ માંગ છે. જો સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં હડતાલનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે તેવું વડોદરા મહેસુલ કર્મચારી સંઘના ઉપપ્રમુખ ચિરાગભાઈએ જણાવ્યું છે.
રાજ્ય મહામંડળના આદેશના અનુસંધાને ગઈ તા.9મીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ગઈ 22તારીખે તમામ માગણીઓ નહીં સંતોષતા કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે વિરોધ નોંધાયો હતો.
વડોદરા જિલ્લા મહેસુલી કર્મચારી સંઘના મોટી સંખ્યામાં કાર્યકરો જૂની કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ પ્લે કાર્ડ સહિત બેનર સાથે કર્મચારી મંડળે માસ સીએલ પર રહી દેખાવો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદારોના મામલતદાર તરીકેના પ્રમોશનનો અટકેલા છે ભરતી બદલી સિનિયોરીટી સંદર્ભે હાલ માત્ર માસ સીએલ પર મહેસુલ કર્મચારીઓ ઉતર્યા છે પરંતુ આગામી દિવસોમાં સરકાર નજીવી માંગણીયો બાબતે હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવશે. પૈસૂલી કર્મચારીઓની માસ સીએલના કારણે કલેક્ટર કચેરીનું સમગ્ર વહીવટી તંત્ર સ્થાપવા થઈ ગયું છે. મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે સરકાર હકારાત્મક વલણ દાખવે તેવી આશા વડોદરા મહેસુલી કર્મચારી સંઘના ઉપપ્રમુખ રાખી રહ્યા છે.