રસાયણયુક્ત દૂધના આક્ષેપ બાદ તેની આવક 70,000 લિટર ઘટી: આપ
ધારાસભ્યએ ભાજપ જૂથ સંચાલિત ડેરી સામે આરોપ કર્યો હતો : દરરોજ 3 લાખ લિટર દૂધની આવક હતી તેમાં અચાનક જ આટલો મોટો ઘટાડો એ શંકાસ્પદ બાબત : શું હજારો પશુઓ અચાનક દૂધ આપતા બંધ થઈ ગયા!?
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લાની સાવજ ડેરી વધુ એકવાર વિવાદમાં ફસાઈ છે. થોડા દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્યએ સાવજ ડેરીમાં કેમિકલ વાળું દૂધ બનાવવામાં આવતું હોવાના અને તે દૂધ પેકિંગ કરી વેચવામાં આવતું હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. આજે કેશોદમાં ફરી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યો છે કે 'મારા નિવેદન બાદ ત્રણ લાખ લિટર દૂધની આવકમાંથી દરરોજ ૭૦ હજાર લિટર ઘટાડો થયો છે તો આનો મતલબ શું ?'
વિસાવદરના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા આક્ષેપ કર્યો હતો કે ભાજપના મળતીયાઓ દ્વારા સાવજ ડેરીમાં કેમિકલ વાળું દૂધ પધરાવી દેવાય છે, ત્યારબાદ ડેરીમાં તેનું પેકિંગ કરી વેચવામાં આવી રહ્યું છે અને આવું દૂધ પીવાથી કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. કાળા કારોબારથી કરોડોના ભ્રષ્ટાચારના આળની સામે સાવજ ડેરીના ચેરમેને બચાવ કર્યો હતો કે આ આક્ષેપ પાયાવિહોણા છે. આજે ફરીવાર ધારાસભ્યએ સાવજ ડેરી સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કેશોદ મુકામે જાહેર મંચ પરથી તેમણે દાવો કર્યો કે 'મેં સાવજ ડેરી પર અગાઉ વંથલી મુકામે આક્ષેપ કર્યા તે પહેલા રોજનું ત્રણ લાખ લિટર દૂધ એકઠું થતું હતું, મારા આક્ષેપ બાદ દરરોજનું ૭૦ હજાર દૂધની આવકમાં ઘટાડો થયો છે. આ વાત પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે જે બોગસ દૂધ બનાવવામાં આવતું હતું તેમાં કાપ મૂકવામાં આવ્યો છે. રાતોરાત કેવી રીતે દૂધનો ઘટાડો થાય ? શું હજારો પશુઓ એકીસાથે દૂધ આપતા બંધ થઈ ગયા ? કે હજારો લિટર દૂધનો ઘટાડો થઈ ગયો.'
કેટલીક મંડળીનો નામોલ્લેખ કરીને તેમણે ઉમેર્યું કે તે મંડળીઓ દ્વારા દરરોજ પાંચ-પાંચ હજાર લિટર તથા બીજી અન્ય મંડળીઓ દ્વારા અઢી-અઢી હજાર લીટર દૂધ સાવજ ડેરીને આપવામાં આવે છે. ખરા અર્થમાં ત્યાં એટલું પશુપાલન જ નથી તો દૂધ આવે છે ક્યાંથી ? જે મંડળીઓમાં દૂધના નાણાં ઉધારવામાં આવે છે તે કેટલીક મંડળીઓ પણ બોગસ હોવાનો તેમણે આક્ષેપ કરતા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.
જેતપુર નજીક દૂધનું મિશ્રણ થાય છે
આ ઉપરાંત મહારાષ્ટ્રથી હજારો લિટર જર્સી ગાયનું ચાર ફેટનું દૂધ મંગાવી, જેતપુર પાસે તેમાં કેમિકલ ભેળવી તે દૂધને સાત ફેટનું કરી તેને અલગ અલગ મંડળીઓના નામે સાવજ ડેરીમાં વેચવામાં આવી રહ્યું છે. એ દૂધના પૈસા સાવજ ડેરી જીડીસીસી બેંક મારફત મંડળીઓને ચૂકવે છે અને મંડળીઓ દ્વારા તે પૈસા ઉપાડી ભાજપના કૌભાંડીઓને આપવામાં આવે છે. જેતપુર જે જગ્યાએ દૂધનું મિશ્રણ થાય છે ત્યાં મારે જનતા રેડ પણ કરવી છે એટલે હું તેનું નામ લેતો નથી તેવો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો.