- તબક્કાવાર રૂપિયા પડાવીને કેનેડા નહીં મોકલીને છેતરપિંડી કરી
- દંપતીએ મળતીયા મારફતે ફોન પર નિવૃત શિક્ષિકાના ભાઇને ધમકી આપી હોવાની અને ઠગાઇની ફરિયાદ
તાલુકાના પીપળાતા ગામે રહેતા નિવૃત શિક્ષિકા ભારતી બહેન શનાભાઇ પ્રજાપતિનો એપ્રિલ ૨૦૨૩માં ગામના બસ સ્ટેન્ડ મીત્રાલ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં રહેતા અંજના મહેશ મહીડા સાથે પરિચય થયો હતો. અંજના મહીડાએ સલૂણ ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનું જણાવીને તેના પતિ મહેશ કલ્યાણ મહીડા વિદેશ મોકલાવનું કામ કરતા હોવાની વાત ભારતીબહેનને કરી હતી. ભારતી બહેન અને તેમના ભત્રીજા સંજયને કેનેડા મોકલવો હોવાથી અંજના મહિડાના ઘરે ગયા હતા. અંજના મહીડાના પતિ મહેશ કલ્યાણ મહીડાએ ભત્રીજાને કેનેડા મોકલવા માટે ૧૩ લાખનો ખર્ચે થશે અને એડવાન્સ પેટે રૂ. ૬.૭૦ લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. નિવૃત શિક્ષિકા ભારતીબહેને માટે તૈયારી બતાવી હતી અને ચેક મારફતે ૬.૭૦ લાખ ચૂકવી દીધા હતા.
બાદમાં મહેશ મહીડાએ ભારતીબહેન પાસેથી ભત્રીજાને કેનેડા મોકલવાના નામે પૈસા પડવાવાનો ખેલ શરૂ કર્યો હતો. જુદા જુદા બહાને બતાવીને તેણે નિવૃત શિક્ષિકા પાસેથી ૧૨.૫૦ લાખ પડાવ્યા હતા તેમ છતાં ભત્રીજા સંજનયે કેનેડા જવાનો મેળ પડયો ન હતો. મહેશ મહીડાએ માત્ર વાયદા કર્યા હતા. ભત્રીજા કેનેડા ન જઇ શક્તા નિવૃત શિક્ષિકા ભારતી બહેને આપેલા પૈસા પરત માગ્યા હતા. પરંતુ મહેશ મહીડાએ જે ચેક આપ્યો હતો.
તે બેંકમાંથી પરત ફર્યા હતા. આ દરમિયાન મહેશ મહીડા અને અંજના મહીડાના મળતીયા મુસા નામના સખ્સે નિવૃત શિક્ષિકા ભારતીબહેનના ભાઇને ફોન કરીને પૈસા પાછા માગશો તો મારામારી થશે તેવી ધમકી આપી હતી.
આ મામલે ભારતી બહેન પ્રજાપતિએ મહેશ કલ્યાણ મહીડા, તેની પત્ની અંજના મહેશ મહીડા અને મળતીયા મુસા નામના ઈસમ વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.


