રાજકોટમાં નિવૃત્ત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવી લેવાયા

- કેનેડા રહેતી પુત્રીને વાત કરતા ફ્રોડ થયાની જાણ થઈ
- વોટસએપમાં વિડિયો કોલ કરનારે સુપ્રીમ કોર્ટ અને રીઝર્વબેંક ઓફ ઈન્ડિયા લખેલા ખોટા દસ્તાવેજો પણ મોકલ્યા હતાં
રાજકોટ: રાજકોટમાં જુના એરપોર્ટ રોડ ઉપર પત્રકાર સોસાયટીની પાસે એકજાનગર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત સરકારી શિક્ષક કુરબાન વલીજી બદામી (ઉ.વ.૭૬)નું મુંબઈ ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં અટક કરવાની બીક બતાવી ડીજીટલ એરેસ્ટ કરી લઈ રૂા. ૧.૧૪ કરોડ પડાવી લેવાયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી સાયબર આતંકવાદ જેવા ગુનામાં અટક કરવાની બીક બતાવી ડીજીટલ એરેસ્ટ કર્યા હતાં, અજાણ્યા શખ્સો સામે ગુનો
સાયબર ક્રાઈમ પોલીસે કુરબાન બદામી (ઉ.વ.૭૬)ની ફરીયાદ પરથી ત્રણ અલગ અલગ બેંકના ખાતા ધારકો, વોટસએપ ધારક અને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
કુરબાન બદામીએ પોલીસને જણાવ્યું કે, તે પત્ની દુરૈયાબેન સાથે રહે છે. બે પુત્રીઓ પૈકી મોટી દિકરી સબનમ ઓસ્ટ્રેલીયા રહે છે. જયારે નાની પુત્રી ઈશરત કેનેડામાં રહે છે. ગઈ તા. ૨૯.૧૦નાં ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. અને કોલ કરનારે 'હું જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલું છું, આ તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે, તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલીંગ અને સાયબર આતંકવાદમાં થયેલ છે', તેમ કહ્યું હતું.
આથી તેણે અમે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી નથી. કહેતા તેને મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે ખુલાસો કરવા જણાવ્યું હતું. આથી તેને અમે સિનિયર સીટીઝન છીએ મુંબઈ જઈ શકાય તેમ નથી. તેમ કહેતા કોલ કરનારે હું તમને મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે સંપર્ક કરાવી આપીશ. ફોનમાં ખુલાસો કરી આપજો એમ જણાવ્યું હતું.
થોડીવાર બાદ વોટસએપ નંબર પર વીડીયોકોલ આવ્યો હતો. જેમાં પોલીસની વર્દી પહેરેલા શખ્સે પોતાની ઓળખ પોલીસ સબ ઈન્સ્પેકટર શંકર સુરેશ પાટીલ તરીકે આપી હતી. ત્યારબાદ તેણે નામ પુછી પરિવારની તમામ વિગત પુછતા તેને જણાવી હતી. એટલુ જ નહી આધાર કાર્ડ નંબર માંગતા આપ્યા હતાં. જેથી વિડિયોકોલ કરનારે તમારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજયમાં ખાતા ખુલેલા છે. મની લોન્ડ્રીંગ તથા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાયું છે. સાયબર આતંકવાદમાં તમારૂ આધારકાર્ડ વપરાયું છે. જેમાં ૧૦ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. તેમ કહેતા તેને અમે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી નથી. જણાવતા વીડીયોકોલ કરનાર શખ્સે અત્યારે તમને ફીઝીકલ એરેસ્ટ કરતા નથી. પરંતુ તમને ડીજીટલ એરેસ્ટ કરવામાં આવે છે. જો અમે જણાવીએ તેમ કરશો તો તમને આ સાયબર આતંકવાદના કેસમાં રાહત આપીશું. બાદમાં આ શખ્સ તેને વારંવાર વિડિયો કોલ કરી તમારી સંપત્તી શંકાના દાયરામાં છે. તમારે તમારી તમામ પ્રોપર્ટી લીકવીટાઈઝ કરી આરબીઆઈમાં રોકડા રૂપીયા જમા કરાવવા પડશે. તે રૂપીયા કેશ પુર્ણ થયા પછી તમને વ્યાજ સહિત મળી જશે. એટલું જ નહીં કોલ કરનાર શખ્સે તેને વોટસએપ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી.રબ્બીશંકરની સહી અને બેંકના સીક્કો મારેલ દર્શાવેલ મોકલ્યા હતાં. એટલું જ નહી જે બેંક ખાતામાં રૂપીયા જમા કરાવવાના હતાં. તેની વિગતો મોકલતા ગભરાઈને તેના અને તેની પત્નીના ખાતામાંથી અલગ અલગ ખાતાઓમાં ૧.૧૪ કરોડ ટ્રાન્સફર કર્યા હતાં.
ત્યારબાદ તેણે તે શખ્સોને વધુ નાણા ન હોવાનું જણાવતા તે શખ્સોએ જો તમે હજી ૧૦ લાખ નહી ભરો તો તમને ફીઝીકલ એરેસ્ટ કરવામાં આવશે. તમારી બન્ને પુત્રીઓને વિદેશથી ડીપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવશે. તેવું જણાવ્યું હતું. પરંતુ વધુ નાણા ન હોવાથી તેની નાની પુત્રી ઈશરત પાસે પૈસા માંગતા તેણે આ ફ્રોડ હોવાનું જણાવતાં અંતે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

