Get The App

સે-૪ના નિવૃત્ત સેક્શન ઓફિસરનો નર્મદા કેનાલમાં ઝપલાવી આપઘાત

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
સે-૪ના નિવૃત્ત સેક્શન ઓફિસરનો નર્મદા કેનાલમાં ઝપલાવી આપઘાત 1 - image

પુત્રને નિવૃત્ત પીએસઆઇ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી

જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો ઃ અંતિમ ચિઠ્ઠીના આધારે હવે પોલીસે તપાસ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૪માં રહેતા નિવૃત્ત સેક્શન ઓફિસર દ્વારા પુત્રએ વ્યાજવા લીધેલા રૃપિયાને કારણે નિવૃત્ત પીએસઆઇ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના બહાર આવી છે. તેમનો મૃતદેહ કલોલ જાસપુર નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા અંતિમ ચિઠ્ઠીના આધારે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર-૪માં પ્લોટ નંબર ૭૭૯-૨માં રહેતા અને સચિવાલયમાંથી સેક્શન ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા પ્રકાશભાઈ ભગવાનદાસ નાયક દ્વારા કેનાલમાં કૂદીને આપઘાત કર્યોે હોવાની ઘટના બહાર આવી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગત સોમવારના રોજ ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા તેમની શોધખોળ શરૃ કરવામાં આવી હતી અને અડાલજ નર્મદા કેનાલ પાસે તેમનું મોપેડ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેથી પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાનમાં કલોલના જાસપુર  પસાર થતી નર્મદા કેનાલમાંથી તેમના મૃતદેહ આજે મળી આવ્યો હતો. જેના પગલે જમાદાર યોગેન્દ્રસિંહ ચાવડા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કલોલ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવીને તપાસ શરૃ કરી છે. જોકે તેમણે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ પોલીસને મળી હતી. જેમાં તેમના પુત્રએ દસ લાખ રૃપિયા વ્યાજવા લીધા હતા અને તેના પગલે નિવૃત્ત પીએસઆઇ દ્વારા ત્રાસ આપીને મકાન પણ બળજબરીથી લખાવી લીધું હવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પગલે તેમણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. ચિઠ્ઠી આધારે હાલ પોલીસે તપાસ શરૃ કરી છે.