Get The App

અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા 1 - image


વન વિભાગના નિવૃત્ત અધિકારી હનીટ્રેપનો ભોગ બન્યા

એબોર્શનના નામે રૂપિયા પડાવ્યા બાદ બદનામ કરવા ધમકી આપી, યુવતી તેના મળતીયાઓ સહિતનાઓએ કાવતરું રચ્યુંં 

જૂનાગઢ: જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓ અજાણી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો. ત્યારબાદ યુવતી સાથે આત્મીયતા કેળવી રાજકોટ અને ચોટીલાની હોટલમાં અનેક વખત અંગત પળો માણી હતી. એબોશનના નામે  યુવતીએ નાણા પણ મેળવ્યા હતા. યુવતીએ હોટલની અંગત પળનો વિડીયો ફોનમાં ઉતારી લીધો હતો અને મળતીયાઓને સાથે રાખી વિડીયો વાયરલ કરવા ધમકી આપી હતી. ખોટી ફરિયાદ કરવાનું જણાવી બદનામ કરી દઈશ તેવી ધમકી આપી રૂ.૪૦ લાખ માંગ્યા હતા. હનીટ્રેપની ઘટનામાં નિવૃત્ત આરએફઓએ યુવતી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   

આ અંગે વધુ વિગત મુજબ જૂનાગઢમાં ચોબારી રોડ પર વિનાયક રેસીડેન્સીમાં રહેતા નિવૃત્ત આરએફઓ પરસોત્તમભાઈ ત્રીકમભાઈ કનેરિયા (ઉં. વ.૬૭) ૨૦૧૭માં વન વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. એક વર્ષ પૂર્વે પરસોતમભાઈને ફેસબુક પ્રોફાઇલમાં ઉમલા નામની અજાણી યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ ઉમલા સાથે ફેસબુક અને વોટસએપ નંબર પર નિયમિત ચેટિંગ કરતા હતા. યુવતી એકલી હોવાનું જણાવી નિવૃત્ત અધિકારી સાથે આત્મીયતા અને મિત્રતા કેળવી હતી. પાંચ મહિના પૂર્વે રાજકોટની એક હોટલમાં બંનેની મુલાકાત થઈ હતી અને અંગત પળો માણી હતી. જૂન ૨૦૨૫મા પરષોત્તમભાઈ બેંગ્લોર જતા હતા, તે દરમિયાન ઉમલાએ ફોન કર્યો હતો અને પ્રેગ્નન્ટ હોવાનું જણાવ્યું હતું. જેથી એબોશન કરાવું છે તેમ જણાવી ઓનલાઈન ગુગલ પે દ્વારા અવારનવાર રૂપિયા મેળવેલ હતા. તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના ઉમલાએ પરસોતમભાઈને રાજકોટ મવડી ચોકડીએ બોલાવ્યા હતા અને સગા સંબંધી જોઈ જશે તેમ જણાવી નિવૃત્ત અધિકારી સાથે કારમાં જ ચોટીલા ગયા હતા.

ચોટીલાની હોટલમાં ઉતર્યા હતા અને ઉમલાના આઈડી દ્વારા રૂમ બુક કર્યો હતો. બે વખત શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ બંને રાજકોટ પરત ફર્યા હતા. તા.૨૫ સપ્ટેમ્બરના નિવૃત્ત આરએફઓને અજાણ્યા નંબર પરથી ઓડિયો કોલ આવ્યો હતો અને ચોટીલાની હોટલનો વિડીયો તેની પાસે હોવાનું જણાવી રૂપિયા માંગ્યા હતા. પુરાવા રૂપે વિડિયો નિહાળવા મોકલ્યો હતો. વિડીયો નિહાળતા જ નિવૃત્ત અધિકારીએ ઉમલાનો સંપર્ક કરતા તેને પણ વિડીયો મોકલવામાં આવ્યો છે અને રૂપિયા માંગ્યા છે. જો નાણા નહીં આપે તો વિડિયો વાયરલ કરવાની ધમકી મળી છે. બાદમાં ઉમલાએ ફરીથી પ્રેગ્નન્ટ હોવાનું જણાવી એબોર્શનના રૂપિયા મેળવ્યા હતા. જેથી નિવૃત્ત વન અધિકારીએ ઉમલાને પૂછતા તેણે ચોટીલા હોટલમાં અંગત પળોનો વિડીયો ફોનમાં ઉતાર્યો હતો, અને તેની બહેનપણીને આપ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા યુવકે  પરષોતમભાઈને રૂ.૪૦ લાખ આપવા જણાવ્યું હતું અને જો રૂપિયા નહીં આપે તો તમામ સગા સંબંધીઓના નંબર પર વીડિયો વાયરલ કરી દેશુ, ઉપરાંત નિવૃત્ત ઓફિસર થઈને નાની છોકરીઓ સાથે મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધી પ્રેગ્નન્ટ કરી રૂપિયા આપીને છોકરા પડાવતા  હોવાની ખોટી ફરિયાદ કરવા ધમકી આપી હતી. 

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ યુવતીએ તેના મળતીયા સાથે રહી વૃધ્ધને શિકાર બનાવ્યા હતા .જેથી હનીટ્રેપનો ભોગ બન્યાની ઘટનામાં કંટાળેલા નિવૃત્ત વન અધિકારીએ પ્રેમજાળમાં ફસાવી એબોર્શનના નામે નાણા પડાવવા તથા અંગત પળોનો વિડીયો વાયરલ કરવા ધમકી આપી રૂ.૪૦ લાખની માગણી કર્યાના બનાવ અંગે યુવતી તેના મળતીયા સહિત ત્રણ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :