જામનગરમાં હથિયાર લાયસન્સના નિયમનો ભંગ કરનાર નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર 1 લાખની રિવોલ્વર સાથે ઝડપાયો
Jamnagar : જામનગર શહેરના પટેલ કોલોનીમાં જાહેરમાં લાયસન્સવાળું હથીયાર રીવોલ્વર કમરમાં જાહેરમાં દેખાય તે રીતે બાંધીને નિયમનો ભંગ કરીને સીનસપાટા કરતા નિવૃત્ત પોલીસ જમાદારના પુત્રને પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી રૂ.1 લાખની કિંમતની રીવોલ્વર કબજે કરી છે.
શહેરના પટેલ કોલોની બજરંગ ઢોસા વાળી ગલીમાં શક્તિસિંહ જાડેજા (રે.રામેશ્વરનગર ભોળેશ્વર સોસાયટી-જામનગર) નામનો વ્યક્તિ કે જે નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર છે, જે પોતાની કમરમાં હથિયાર બાંધી સ્પષ્ટ દેખાય તે રીતે જાહેરમાં નિકળી સીનસપાટા મારી રહ્યો હતો. આ સમયે પેટ્રોલીંગમાં રહેલા સિટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા અને તેઓના સ્ટાફે તેને આંતરી લીધો હતો, અને સૌપ્રથમ તેમના સીન વિખેરી નાખ્યા હતા. જેના હથિયાર પરવાના બાબતે પુછતા તેણે હથિયારનું લાયસન્સ બતાવેલ હતું. અને આત્મરક્ષણ માટે હથીયાર મેળવેલું હોવાનું જણાવતાં પોલીસે હાલ કોનાથી ભય, બીક કે ખતરો છે. તે બાબતે પુછતાં તેણે કોઈ સંતોષ કારક જવાબ આપેલો ન હતો.
ઉપરોક્ત શખસ પોતાનું લાયસન્સવાળુ હથીયાર રીવોલ્વર પોતાની ધાક જમાવવા માટે સીનસપાટો કરી હથિયાર લાયસન્સનો ભંગ કરતો હોવાથી પીઆઈ પી.પી.ઝા અને તેમની ટીમે શક્તિસિંહ જાડેજા સામે આમર્સ એક્ટ કલમ રૂલ્સ 32(2)નો ભંગ અંગેનો ગુનો નોંધીને તેને નોટિસ પાઠવી છે ઉપરાંત અદાલત કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે જ્યારે તેની પાસેથી 32 બોરની રૂ.1 લાખની કિંમતની રિવોલ્વર કબજે કરી છે. અને જામનગરના જિલ્લા કલેકટર કચેરી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સહિતના વિભાગમાં અરજી કરીને આગળની તપાસ ચલાવાઇ રહી છે.