Rajkot Train Robbery: સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. જામનગરથી અમદાવાદ જઈ રહેલી ટ્રેનમાં ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જામનગરના નિવૃત્ત ASI પર જીવલેણ હુમલો કરી તેમની પરવાનાવાળી રિવોલ્વર અને બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ધ્રોલ અને પડધરી વચ્ચે બની ઘટના
મળતી વિગતો મુજબ, જામનગરના નિવૃત્ત ASI ધર્મેન્દ્રસિંહ જાડેજા ટ્રેન મારફતે અમદાવાદ જઈ રહ્યા હતા. ટ્રેન જ્યારે ધ્રોલ અને પડધરી વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાર હિન્દી ભાષી બુકાનીધારી શખ્સોએ તેમની સાથે બબાલ શરૂ કરી હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને લૂંટારુઓએ ટ્રેનમાં રાખેલા 'ફાયર સેફ્ટી'ના બાટલા વડે ધર્મેન્દ્રસિંહ પર હિંસક હુમલો કર્યો હતો.
બુકાનીધારી લૂંટારુઓ રિવોલ્વર લૂંટી થયા ગાયબ
હુમલાખોરો નિવૃત્ત ASIની પરવાનાવાળી રિવોલ્વર અને બે કિંમતી મોબાઈલ ફોન લૂંટીને ટ્રેનમાંથી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ધર્મેન્દ્રસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત નિવૃત્ત અધિકારીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે લૂંટ અને હુમલાનો ગુનો નોંધીને હિન્દી ભાષી આરોપીઓની શોધખોળ તેજ કરી છે. ચાલુ ટ્રેને રિવોલ્વરની લૂંટ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.


