વડોદરા, અકસ્માતમાં ઘાયલ નિવૃત્ત આર્મીમેને શનિવારે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેલા માળેથી નીચે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેઓનું સારવાર દરમિયાન ગઇકાલે મોત થયું હતું.
શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ પર આવેલા ખોડિયાર નગર નજીક વ્રજધામ સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના નિવૃત્ત આર્મી મેન દેવાનંદભાઈ બાબુરાવ પવાર ગત ૫મી તારીખે મોનગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન સફેદ કલરની કારના ચાલકે તેઓને ટક્કર મારતા પગમાં ઇજા પહોંચી હતી. અકસ્માતમાં તેઓને પગમાં ફ્રેક્ચર થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પાંચમી તારીખે દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમણે શનિવારે સવારે ૬ વાગ્યે સર્જિકલ બિલ્ડિંગના પહેલા માળેથી બારીમાંથી નીચે ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યોે હતો. હોસ્પિટલના સ્ટાફે દોડીને તેઓને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરી બચાવી લીધા હતા. પરંતુ, સારવાર દરમિયાન ગઇકાલે તેમનું મોત થયું છે.


