Get The App

હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ 1 - image


Ahmedabad Vadodara Express way News : વડોદરાથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વે પર નિયમિત મુસાફરી કરતાં હજારો વાહનચાલકોને આગામી થોડા મહિનાઓ માટે હાલાકીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI) દ્વારા વડોદરાથી અમદાવાદ તરફના 39 કિલોમીટર જેટલા હિસ્સામાં એક્સપ્રેસ વે પર મોટા પાયે સમારકામની કામગીરી શરુ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરીના સમયમાં નોંધપાત્ર વધારો થશે.

શા માટે અને ક્યાં સુધી ચાલશે સમારકામ?

NHAIના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડવા અને સપાટી ખરબચડી થઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં પણ રસ્તાની સપાટી નિર્ધારિત માપદંડ કરતાં વધુ ખરાબ હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે આ રિ-સરફેસિંગનું કામ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી એપ્રિલ મહિના સુધી ચાલે તેવી પ્રબળ સંભાવના છે.

મુસાફરીમાં બમણો સમય લાગશે

આ સમારકામને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડશે, જેની સીધી અસર રોજના 25000થી વધુ વાહનચાલકો પર થશે. અધિકારીઓના અંદાજ મુજબ, સામાન્ય રીતે વડોદરાથી અમદાવાદ ટોલનાકા સુધી પહોંચવામાં લાગતા સમય કરતાં હવે બમણો એટલે કે લગભગ 2 કલાક જેટલો સમય લાગી શકે છે. આથી, વાહનચાલકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછો અડધો કલાક વહેલા નીકળે.

ચાલુ ટ્રાફિક વચ્ચે પડકારજનક કામગીરી

આ મોટા પાયે હાથ ધરાયેલી કામગીરીમાં પેવર, ડમ્પર, રોલર અને મિલિંગ મશીન જેવા ભારે સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 40થી 50 જેટલા શ્રમિકો અને એન્જિનિયરોની ટીમ જોડાશે. ચાલુ ટ્રાફિક વચ્ચે આ કામ કરવું અત્યંત પડકારજનક હોવાથી તેને તબક્કાવાર લેન મુજબ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણ લેનમાંથી વચ્ચેની લેન પર કામ કરવું સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે તેની બંને બાજુ વાહનોની સતત અવરજવર ચાલુ રહે છે. આથી, વડોદરાથી અમદાવાદ તરફ નિયમિત મુસાફરી કરતાં હજારો વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ એપ્રિલ મહિના સુધી મુસાફરી માટે વધારાનો સમય ફાળવીને ચાલે, જેથી ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય.