Gujarat

આણંદ જિલ્લાની 159 ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર

By GS TEAM
26 Jun 20253 mins read
આણંદ જિલ્લાની 159 ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર

- વહિવટદાર શાસનના અંત સાથે હવે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચ રાજ

- તાલુકા મથકોએ મોડી રાત્રિ સુધી મતગણતરી ચાલી  પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો : વિજેતા ઉમેદવારોએ ગામોમાં ડીજે સાથે વિજય સરઘસ કાઢી ઉજવણી કરી

આણંદ : આણંદ જિલ્લાની ૧૪૪ જેટલી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૧૫ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૪૬૭ જેટલા સરપંચ પદ માટે અને ૧૨૪૮ જેટલા સભ્યપદ માટેના ઉમેદવારો વચ્ચે જંગ હતો. ત્યારે આજે મત ગણતરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી જેમાં બેલેટ પેપરથી મત ગણતરી કરાતા ખૂબ જ સમય પસાર થતા મધ્ય રાત્રિ સુધી તમામ પરિણામો આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આણંદ જિલ્લા ભરના આઠ મત ગણતરી કેન્દ્ર ઉપર પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઈ હતી. વહેલી સવારથી શરૂ થયેલી મત ગણતરીમાં વોર્ડ સભ્યોની ચૂંટણીના બેલેટ પેપર જુદા પાડવામાં ખૂબ જ સમય પસાર થતો હતો. જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ તેમ ગણતરી કેન્દ્રની બહાર વિજય યાત્રાઓ તથા અબીલ ગુલાલ ની છોળો સાથે વિજય સરઘસ નીકળ્યા હતા. વિજેતા ઉમેદવારોએ ગામડાઓમાં ડીજેથી શોભાયાત્રાઓ યોજાઈ હતી. 

સરપંચને ચૂંટણીમાં સીધી રીતે દખલગીરીનો ઇનકાર કરનાર ભાજપના જિલ્લાના નેતાઓએ આજે ખુલ્લેઆમ ઉમેદવારોને આવકારવાનું તેમજ ફુલહાર પહેરાવવાના દરેક મત કેન્દ્રોની નજીક ભાજપની ઓફિસોમાં કાર્યક્રમ રાખ્યા હતા. વિજેતા ઉમેદવારો સ્થાનિક ધારાસભ્ય અથવા તો નેતાઓને મળવા જતા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. 

કઠોલમાં ઉમેદવારને શૂન્ય મત, દરખાસ્તવાળાએ પણ મત ન આપ્યો

બોરસદના કઠોલ ગ્રામ પંચાયતના વોર્ડ નં.-૭માં કિરણકુમાર રતિલાલ મકવાણાએ સભ્ય માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ૧ વ્યક્તિની દરખાસ્ત પણ કરાઈ હતી. પરંતુ કિરણભાઈ મકવાણાને શૂન્ય મત મળ્યા હતા. હરિફ ઉમેદવાર ગોરધનભાઈ મણીભાઈ વણકરને ૭૫ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા. 

આંકલાવના નવાખલ ગામે દિવ્યાંગ ઉમેદવારે બાજી મારી

આણંદઃ આંકલાવ તાલુકાના કાંઠા ગાળાના નવાખલ ગામની સરપંચની ચૂંટણીમાં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ગામની જનતાએ ચાર ઉમેદવારોને જાકારો આપીને દિવ્યાંગ ઉમેદવાર દિલીપભાઈ સોલંકીને ૩૯૯ જેટલા માતની લીડથી સરપંચ પદે જીતાડયા હતા.

આંકલાવના નવાપુરામાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરાયા

આંકલાવ તાલુકાના નવાપુરા ગામ ગ્રામ પંચાયતના વોર્ડ નં.-૫ની ગણતરી દરમિયાન બંને ઉમેદવારોને સરખા મતો મળ્યા હતા. બંનેને ૧૦૦-૧૦૦ મતો મળતા ટાઈ પડી હતી. બાદમાં ચિઠ્ઠી ઉછાળતા જયલેસ હરિભાઈ પઢિયાર વિજેતા જાહેર કરાયા હતા. 

બોચાસણના વોર્ડ-૧૧માં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયા

બોરસદ તાલુકાના બોચાસણ ગ્રામ પંચાયતના વોર્ડ-૧૧માં મતગણતરી દરમિયાન બંને ઉમેદવારોને સરખા ૩૦૨ મત મળ્યા હતા. બાદમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળીને વિરલબેન દિલીપભાઈ પરમારને વિજેતા જાહેર કરાયા હતા.

નોટાના મતો વોર્ડના ઉમેદવારો કરતા વધારે નીકળ્યા

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામડાના કેટલાય વોર્ડમાં ઉમેદવારો કરતા નોટાના વોટ વધુ હોવાનું જણાયું હતું. જેના લીધે ઉમેદવારોની સરસાઈ ઓછી થઈ જવા પામી હતી. વોર્ડની મત ગણતરીમાં નોટાના મતો અંદાજિત ૭થી મળીને ૬૪ સુધી નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બેલેટ પેપરો સિક્કો માર્યા વગરના કોરા નીકળ્યા

આણંદ જિલ્લામાં મત ગણતરી દરમિયાન કેટલાક બેલેટ પેપર સિક્કો માર્યા વગરના એટલે કે, એકદમ કોરા હોવાનું જણાયું હતું. એમાં કેટલાય બેલેટ પેપરનો ઉપયોગ મતદારોએ કર્યો ન હતો માત્ર બેલેટ પેપર લઈને મતદાન પેટીમાં નાખી દીધા હોવાનું ખુલ્યું હતું.