સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 98 ટકા
Gujarat Board Class 12 Result 2025 : સુરતની ખાનગી સ્કૂલ સાથે સ્પર્ધા કરતી સુરત પાલિકાની સુમન સ્કૂલનું ધોરણ 12નું પરિણામ સુખદ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. આજે જાહેર થયેલા ધોરણ 12ના પરિણામ સુરત પાલિકા સંચાલિત સુમન સ્કુલનું પરિણામ 98 ટકા આવ્યું છે. પાલિકાની સ્કૂલમાં અભ્યાસ કરતા સંચા ખાતામાં કામ કરતા, ગૃહિણી અને માતા-પિતા વિનાના કાકાને ત્યાં રહેતા બાળક સહિત 72 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે.
સુરત પાલિકા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારના બાળકો માટે સુરત શહેરમાં કુલ ચાર સુમન હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી છે. હાલ સુરતમાં ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમની શાળા ચાલી રહી છે. સુમન હાઈસ્કૂલ ખાતે અદ્યતન ટેકનોલોજીથી આધુનિક ઢબે યોગ્ય ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સુમન હાઇસ્કુલોમાં વર્ષ 2021 થી ધોરણ 11 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર ત્રણ વર્ષની અંદર જ એચ.એસ.સી બોર્ડના પરિણામમાં સુમન હાઇસ્કુલ ખૂબ જ અગ્રેસર રહે છે.
2024 દરમિયાન યોજાયેલ એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સુમન હાઇસ્કુલનું પરિણામ 98 ટકા આવ્યું છે. જેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 97 ટકા, મરાઠી માધ્યમ અને હિન્દી માધ્યમનું પરિણાણ 99 ટકા આવ્યું છે. પાલિકાની શાળામાં અભ્યાસ કરતા 72 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.